Gujarat

અમદાવાદમાં એક વર્ષમાં ૩૫૯ એચ.આઈ.વી.દર્દી ટી.બી.સંક્રમિત

By GS Team
24 Mar 20221 min read
This article was originally published on 24 Mar 2022
અમદાવાદમાં એક વર્ષમાં ૩૫૯ એચ.આઈ.વી.દર્દી ટી.બી.સંક્રમિત

અમદાવાદ,બુધવાર,23 માર્ચ,2022

૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે મનાવવામાં આવે છે.અમદાવાદમાં એક વર્ષમાં ટી.બી.ના ૧૮,૨૬૬ કેસ નોંધાવાની સાથે ૧૦૪૩ લોકોનાં મોત થયા છે.શહેરમાં ટી.બી.ના દર્દીઓને શોધવા માટે કરવામાં આવતી કામગીરી દરમ્યાન એક વર્ષમાં ૩૫૯ જેટલા એચ.આઈ.વી.દર્દીમાં ટી.બી.ના લક્ષણ જોવા મળતા તેમની સારવાર શરુ  કરવામાં આવી છે.

દેશમાંથી વર્ષ-૨૦૨૫ સુધીમાં ટી.બી.ના રોગના નિર્મૂલનની કરવામાં આવેલી સરકારની જાહેરાતની વચ્ચે અમદાવાદમાં વર્ષ-૨૦૨૧ના વર્ષમાં સાદા ટી.બી.ના ૧૭૪૪૦ કેસ નોંધાયા હતા.જે સામે ૯૬૫ દર્દીઓનાં મોત થયા હતા.હઠીલા ટી.બી.ના ૮૦૧ કેસ નોંધાયા હતા.જે સામે ૭૮ દર્દીનાં મોત થયા હતા.શહેરમાં ૨૫૦૦થી વધુ આરોગ્ય કર્મીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા લોકોના ઘરે જઈ ટી.બી.ના દર્દીની તપાસ કરવામાં આવે છે. એક વર્ષમાં શહેરમાં ડ્રગ સેન્સેટીવ ટી.બી.નાં નોંધાયેલા ૧૭૪૪૦ કેસ પૈકી ૩૪૩ દર્દી ને ટી.બી.થયો એ અગાઉ એચ.આઈ.વી.થયો હોવાનું સર્વેલન્સમાં જાણવા મળ્યુ હતું.આ પ્રકારે ડ્રગ રેસિસ્ટન્ટ ટી.બી.ના ૮૦૧ દર્દી પૈકી ૧૬ દર્દી અગાઉથી એચ.આઈ.વી.ના દર્દી હોવાનું બહાર આવતા તમામ દર્દીની સારવાર શરુ કરવામાં આવી છે.