એસટી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત થતાં એકનું મોત : 26 મુસાફરોને ઈજા
- ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ પાસે
- દાહોદથી કેશોદ જતી બસને અકસ્માત થતા મુસાફરોની બૂમાબૂમ સાંભળી લોકોએ 108 બોલાવી
નડિયાદ, તા.18 ઓક્ટોમ્બર 2019, શુક્રવાર
ગતરોજ ઠાસરા તાલુકાના બાંધરપુરા નજીક એસ.ટી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં એસ.ટી.બસમાં સવાર મુસાફરોમાંથી આશરે ૨૬ થી વધુ વ્યક્તિઓને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી.જ્યારે એક વ્યક્તિનુ આજે સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.
બાધરપુરા નેશનલ હાઇવે પર એસ.ટી.બસ અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બસ દાહોદ થી કેશોદ તરફ જતી હતી.તે સમયે બાંધરપુરા નહેર આગળ અકસ્માત સર્જાયો હતો.રાત્રીના સમયે એકા એક થયેલ અકસ્માતના કારણે બસમાં સવાર મુસાફરોમાં ભય ફેલાયો હતો.જેથી મુસાફરોએ બુમાબુમ કરતા નજીકના લોકો દોડી આવ્યા હતા.તાત્કાલિક ૧૦૮ની મદદ લઇ ઘાયલોને ઠાસરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના સામાચાર વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા અકસ્માતના સ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યા હતા.જ્યારે તંત્ર યુધ્ધના ધોરણે ઘાયલોની સારવાર માટે પ્રયત્નો હાથ ધર્યો હતા.ઠાસરા પાલિકા પ્રમુખ દિપકભાઇ રોહિતે શહેરમાંથી ખાનગી દવાખાના ડૉકટોને બોલાવી સારવાર શરૂ કરાવી માનવતા દાખવી હતી.કારણ કે ઠાસરા રેફરલ હોસ્પિટલમાં આંતરસુબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક જ ડૉકટર હતા.અને તેની સામે ઘાયલોની સંખ્યા વધુ હતી.
અકસ્માતના બનાવ ઠાસરા,ડાકોર,સેવાલીયા અને ગાયત્રી મંદિરની એમ્બ્યુલન્સો બોલાવી ઘાયલોને રેફરલ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.જ્યારે ઠાસરાના લોકોએ માનવતા દાખવી સરકારી હોસ્પિટલ દવા ન હોય તે ખાનગી મેડીકલ સ્ટોર સંચાલકોએ મફત દવાઓ આપી હતી.જ્યારે વધુ ધાયલ થયેલા લોકાને નડિયાદ, વડોદરા, ગોધરા અને અમદાવાદ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.
નડિયાદ સિવિલમાંથી 21 પૈકી 12ને અમદાવાદ સિવિલ ખસેડયા
બાધરપુરા પાસે થયેલ અકસ્માતમાં ૨૧ મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા.આ તમામ મુસાફરોને ગતરોજ મોડી રાત્રીએ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.આ બનાવની જાણ ગુજરાત વિદ્યાનસભાના મુખ્ય દંડક અને જિલ્લા સમાહર્તાને થતા તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.અને ઘાયલોની સારવાર માટે તંત્રને કામે લગાડયુ હતુ.૨૧માં થી ૧૨ મુસાફરોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશના મુસાફરનું અકસ્માતમાં મોત નીપજ્યું
બાધરપુરા પાસે થયેલ અકસ્માતમાં ૨૧ મુસાફરો ગંભીર રીતે ઘવાયા હતા.જેમાંથી અમાસીયા સુતરીયા ઉં.૪૫ રહે.આસોડા તા. પાટી. જી. બળવાની(મધ્યપ્રદેશ)નુ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.