વડોદરા, તા.2 જાન્યુઆરી, શનિવાર
મંજુસર ખાતેની ખાનગી કંપનીની ઓફિસમાં નોકરી કરતી ઉનાની યુવતી સાથે કામ કરતા વિરમગામના યુવકે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવા ઉપરાંત યુવતી પાસેથી રોકડ રકમ પડાવી છેતરપિંડી પણ કરી હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ શરૃ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે રહેતી અને એમસીએનો અભ્યાસ કરેલ ૨૯ વર્ષની યુવતીના મોબાઇલના વોટ્સએપ ગૃપમાં વર્ષ-૨૦૧૮માં ડીબીએ(એસોર્ટ) કંપની નેટવર્ક માર્કેટિંગની કંપનીનો ઉલ્લેખ કરતો તેમજ બિઝનેસ માટેની તાલીમ આપે છે તેમ જણાવતો એક મેસેજ આવ્યો હતો. આ મેસેજના બાદ યુવતીએ કંપનીનો સંપર્ક કરી તાલીમ અંગેની વિગતો મેળવી હતી અને તાલીમ માટે મે-૨૦૧૮માં મંજુસરમાં ભાગ્યલક્ષ્મી કોમ્પલેક્સ ખાતે ડીબીએ(એસોર્ટ)ની ઓફિસમાં પસંદ થતા યુવતીએ મંજુસરના જ એક ફ્લેટમાં ભાડે રહેવાનું શરૃ કર્યું હતું.
તાલીમ દરમિયાન ઓફિસમાં સાથે કામ કરતો મલય ચન્દ્રકાંત પટેલ (રહે.શક્તિ પ્રોવિઝન સ્ટોર, ગોવિંદભાઇની ખડકી, વિરમગામ) સંપર્કમાં આવ્યો હતો તેની સાથેની મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમતા બંનેએ ફ્લેટમાં સાથે રહેવાનું શરૃ કર્યું હતું. આ સમય દરમિયાન મલયે અનેક વખત શારીરિક સંબંધો યુવતી સાથે બાંધ્યા હતાં. યુવતીએ લગ્નની વાત કરતા મલયે આપણે બંને અલગ જ્ઞાાતિના છે ઘરના સભ્યો લગ્નની વાત હાલ માનશે નહી મને પ્રમોશન મળે એટલે હું ઘરના સભ્યોને મનાવી લઇશ તેમ જણાવી વાતને ટાળતો હતો.
યુવતીનો બિઝનેસ વધારવાના બહાને મલયે યુવતીના આઇડી પરથી રૃા.૪૫ હજારની ખરીદી કરવાનું કહી યુવતીના એકાઉન્ટમાંથી રૃા.૪૫ હજાર મલયના મિત્ર ભરત લલ્લુભાઇ પટેલ (રહે.લલ્લુભાઇની ચાલી, વડવાળાનગર, મેમનગર, અમદાવાદ)ના ખાતમાં રકમ ટ્રાન્સફર કરાવી હતી. એટલું જ નહી મલયે યુવતી પાસેથી છૂટક છૂટક રૃા.૫૦ હજાર રોકડા પણ લીધા હતાં. જો કે મલયના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધો છે તેની જાણ થતા ઉનાની યુવતીએ વાત કરતા બંને વચ્ચે ઝઘડાઓ શરૃ થયા હતાં. મલયે અનેક લોકો સાથે ઠગાઇ કરી હોવાનું બહાર આવતા મંજુસરની ડીબીએ(એસોર્ટ)કંપનીએ મલયને નોકરી પરથી કાઢી મૂકતા તે અમદાવાદ જતો રહ્યો હતો અને બાદમાં યુવતીએ પણ નોકરી છોડી તે ઘેર જતી રહી હતી.
યુવતીએ મલયને લગ્નની વાત કરતા તે ટાળતો હતો અને અને યુવતીનો મોબાઇલ પણ બ્લોક કરી દીધો હતો. પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતા યુવતીએ મલયને નોટિસ મોકલી હતી અને બાદમાં યુવતીએ મલય તેમજ તેના મિત્ર ભરત સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


