ગાંધીનગર, તા. 2 સપ્ટેમ્બર 2019, મંગળવાર
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને આદર્શ શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ તા.5 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી તા.5 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ પારિતોષિક વિતરણ સમારોહ અને શિક્ષણ વિભાગના વિવિક પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવશે.
ટાઉનહૉલ, સેકટર-11, ગાંધીનગર ખાતે સવારે 11.00 કલાકે યોજાનાર આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે વર્ષ-2019માં રાજ્યના 36 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં પ્રાથમિક વિભાગના 13 શિક્ષકો, માધ્યમિકના 6, ઉચ્ચતર માધ્યમિકના-2, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાં 8, કેળવણી નિરીક્ષક અને એચ.ટાટને 1-1, સી.આર.સી,બી.આર.સી, મદદનીશ શિક્ષક નિરીક્ષક કેટેગરીમાં 4, તેમજ ખાસ શિક્ષક કેટેગરીમાં 2 શિક્ષકોને સન્માનિત કરાશે.


