દિવાળી નિમિતે અમદાવાદથી એસ.ટી.ની 686 એકસ્ટ્રા બસો દોડી
- દિવાળી વતનમાં ઉજવવા 37 હજારથી વધુ લોકોએ અમદાવાદ છોડયું
- બસો ઓછી પડતા હિંમતનગર અને નડિયાદથી એકસ્ટ્રા સંચોલન માટે બસો મંગાવવી પડી !
અમદાવાદ,તા.03 નવેમ્બર 2021, બુધવાર
અમદાવાદથી આજે બુધવારે ૯૫ જેટલી એસ.ટી.બસો દિવાળી નિમિતે એકસ્ટ્રા સંચાલનમાં ઉપાડવામાં આવી હતી. ગઇકાલે મંગળવારે પંદર હજાર જેટલા મુસાફરોને લઇને ૨૮૭ એકસ્ટ્રા બસો અમદાવાદથી દોડી હતી. આજે બુધવારે પણ અમદાવાદના બાપુનગર, કૃષ્ણનગર, રાણીપ, નહેરૂનગર, પાલડી, નરોડા, સીટીએમ, ગીતા મંદિર સહિતના વિવિધ બસ મથકો પર મુસાફરોની ખીચોખીચ ભીડ જોવા મળી હતી. શહેરની ફરતે આવેલા વિવિધ પ્રવેશ દ્વાર પાસે પણ હજારોની સંખ્યામાં લોકો ટોળા વળીને બસો, ખાનગી વાહનોની રાહ જોતા, વેતન જવા માટે ફાંફા મારતા ,મથામણ કરતા જોવા મળ્યા હતા. દિવાળીના તહેવારોને લઇને અમદાવાદમાંથી હજારોની સંખ્યામાં લોકોની હિજરત જોવા મળી હતી. પંચમહાલ અને સૌરાષ્ટ્ર તરફ લોકોનો અતિભારે ધસારો છેલ્લા ચારેક દિવસથી જોવા મળ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદ વિભાગમાંથી એસ.ટી.નિગમ દ્વારા ૬૮૬ એકસ્ટ્રા બસો દોડાવી હતી. જેમાં બેસીને ૩૭ હજારથી વધુ મુસાફરો વતન ગયા હતા.
દિવાળીના તહેવારોમાં સહપરિવાર વતન જવા અમદાવાદમાંથી હજારોની સંખ્યામાં લોકોની છેલ્લા ચારેક દિવસથી અવિરત હિજરત ચાલુ છે. કામદાર વર્ગથી માંડીને અમદાવાદમાં જ સ્થાઇ થઇ ગયેલા લાખો પરિવારો દિવાળીમાં દર વર્ષે વતન જતા હોય છે.
આ વખતે મોટી સંખ્યામાં લોકોનો ભારે ધસારો રહ્યો હતો. ગત તા.૨ નવેમ્બરના રોજ રાજ્યભરમાંથી નિગમે કુલ ૨,૨૭૨ એકસ્ટ્રા બસો દોડાવી હતી. જેમાં ૧.૧૬લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. આ અંગે અમદાવાદ વિભાગના પરિવહન અધિકારી કે.એસ.ગાંધીના જણાવ્યા મુજબ અમદાવાદમાંથી મોટી સંખ્યામાં લોકો દાહોદ, ગોધરા, ઝાલોદ, સંતરામ પુરા, પંચમહાલ, ધારી, સાવરકુંડલા, અમેરેલી તરફ દોડાવાઇ હતી. મુસાફરોની સઁખ્યા વધી જતા નડિયાદ અને હિંમતનગર વિભાગમાંથી એકસ્ટ્રો બસો મંગાવીને અમદાવાદથી દોડાવવાની ફરજ પડી હતી. ખાનગી વાહનોમાં બમણા ભાડા હોવાના કારણે મુસાફરો એસ.ટી.બસો તરફ વળ્યા હતા. મુસાફરોને હાલાકી ન થાય તે માટે નિગમ દ્વારા ૨૪ કલાક કંટ્રોલ રૂમ ચાલુ રખાયો હતો. તમામ સ્ટાફ ખડેપગે રહ્યો હતો.
આખો દિવસ ઉપરાંત આખી રાત એકસ્ટ્રા સંચાલન માટે બસો દોડાવાઇ રહી છે. એકબાજુ ખાનગી વાહનોમાં ભાડા બમણા થઇ ગયા છે. વધુ ભાડા આપવા છતાંય બેસવાની અપુરતી વ્યવસ્થા વચ્ચે લોકોએ હાલાકી સભર મુસાફરી કરવી પડી રહી છે. ક્યાં ખાનગી બસોની છત પર બેસીને જવું પડી રહ્યુ ંછે તો ક્યાંક પીકઅપ ડાલા, જીપ, ઇકો સહિતના વાહનોમાં ભારે સંકળામણમાં બેસીને , દરવાજે લટકીને અનેક કિ.મી.ની જોખમી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
આજે બુધવારે ઓઢવ, હાથીજણ સર્કલ, અસલાલી, સરખેજ, ગોતા, બોપલ, રણાસર, ચાંદખેડા સહિતના શહેરના વિવિધ એન્ટ્રી ગેટ પાસે હજારોની સંખ્યામાં મુસાફરો ઉભેલા જોવા મળ્યા હતા. જે જેમતેમ કરીને પોતાના વતને જવા પડાપડી કરતા નજરે ચઢ્યા હતા. એસ.ટી.નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ ગુરૂવારે દિવાળીને દિવસે પણ ટ્રાફિક રહેશે. આ વર્ષે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી.
પૂર્વ અમદાવાદમાં બાપુનગર, ઠક્કરનગર, કૃષ્ણનગર, વિરાટનગર, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ વસવાટ કરે છે. આ વિસ્તારમાંથી મોટાભાગના પરિવારો દિવાળી નિમિતે વતન જવા રવાના થઇ ગયા છે.
ગુજરાતમાં દિવાળી નિમિતે એસ.ટી.નિગમે કેટલી એકસ્ટ્રા બસો દોડાવી ?
તારીખ |
એકસ્ટ્રા ટ્રીપ |
આવક |
મુસાફરોની સંખ્યા |
૩૦ ઓક્ટોબર |
૨૯૦ |
૧૯,૮૧,૭૯૪ |
૧૪,૩૨૬ |
૩૧ ઓક્ટોબર |
૭૦૭ |
૪૮,૬૭,૧૨૮ |
૩૨,૨૬૦ |
૧ નવેમ્બર |
૧,૪૬૯ |
૧,૧૮,૧૬,૫૯૮ |
૭૨,૨૫૬ |
૨ નવેમ્બર |
૨,૨૭૨ |
૧,૯૪,૧૫,૬૧૯ |
૧,૧૬,૪૬૦ |