Gujarat

પુત્રીના મૃત્યુના ચોથા દિવસે વિષ્ણુ સોલંકી ટીમમાં જોડાઇ ગયો : સેંચ્યૂરી ફટકારી

By GS Team
26 Feb 20222 mins read
This article was originally published on 26 Feb 2022
પુત્રીના મૃત્યુના ચોથા દિવસે વિષ્ણુ સોલંકી ટીમમાં જોડાઇ ગયો : સેંચ્યૂરી ફટકારી

વડોદરા : સારા ખેલાડી હોવુ અને ખેલ પ્રત્યે ઝનૂન હોવુ એ બન્ને અલગ વાત છે. વડોદરાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વિષ્ણુ સોલંકીને ખેલ પ્રત્યે એટલે કે ક્રિકેટ પ્રત્યે તેમને કેટલો લગાવ અને ઝનુન છે તે એ વાત પરથી જાણવા મળે છે કે જન્મીને ૨૪ કલાકમાં મૃત્યુ પામેલી પુત્રીની અંતિમક્રિયા પતાવીને વિષ્ણુ સોલંકી તુરંત જ ટીમમાં જોડાઇ ગયો હતો અને આજે તેમણે રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં ચંદીગઢ સામે સેંચ્યૂરી ફટકારતા ચો તરફ તેની પ્રસંશા થઇ રહી છે.

ગરીબીમાં ઉછરીને પણ વિષ્ણું સોલંકીએ ક્રિકેટર બનવાનું સપનુ સાકાર કર્યુ હતુ આજે તે ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રનના ઢગલા કરનાર બેટ્સમેન ગણાય છે. બરોડા ટીમના રાઇટ હેન્ડ બેટ્સમેન વિષ્ણુ સોલંકી આ મહિને ૬ ફેબુ્રઆરીએ ટીમ સાથે રણજી ટ્રોફી રમવા ભુવનેશ્વર પહોંચ્યો હતો.દરમિયાન તેને ૧૧ ફેબુ્રઆરીએ મોડી રાત્રે ખુશ ખબર મળી હતી કે તેને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. વિષ્ણુના લગ્ન જીવનમાં આ પ્રથમ સંતાન હતુ. ૧૧ ફેબુ્રઆરીની રાત્રે ૧૨.૧૦ વાગ્યે તેનો જન્મ થયો હતો. 

જો કે આ ખુશી લાંબો સમય ટકી નહી અને બીજા દિવસે જ એટલે કે તા.૧૨ ફેબુ્રઆરીની રાત્રે ૧૨ વાગ્યે માઠા સમાચાર મળ્યા કે પુત્રીનુ મૃત્યુ થયુ છે.વિષ્ણુ તુરંત ભુવનેશ્વરથી વડોદરા પહોંચ્યો હતો અને તા.૧૩ ફેબુ્રઆરીએ પુત્રીની અંતિમક્રિયા પૂર્ણ કરી હતી. પરિવાર આ દુખથી ભાંગી પડયો હોવાથી વિષ્ણુ ચાર દિવસ પરિવાર સાથે રહ્યો હતો અને તા.૧૭ ફેબુ્રઆરીએ તે ભુવનેશ્વર પરત ફર્યો હતો અને ટીમમાં જોડાઇ ગયો હતો. તા.૨૩મીએ પ્રેક્ટિસ મેચ રમી હતી અને ગુરૃવારથી કટક ખાતે શરૃ થયેલી ચંદીગઢ સામેની મેચના આજે બીજા દિવસે વિષ્ણુએ ૧૫૭ બોલમાં ૧૦૩ રન બનાવીને અણનમ રહ્યો છે.

ઊંડા આઘાતમાંથી બહાર આવીને ટીમમાં જોડાવુ એ મોટી વાત છે

'વિષ્ણુનું ક્રિકેટ પ્રત્યેનુ સમર્પણ અદ્ભૂત છે. તે બરોડા ક્રિકેટ ટીમનું ગૌરવ છે.તેણે આજે સદી ફટકારી એ કરતા પણ મહત્વની વાત એ છે કે તેના લગ્ન જીવનમાં પ્રથમ સંતાનના જન્મ બાદ ૨૪ કલાકમાં જ મૃત્યુ થાય એ મોટી આઘાતજનક બાબત છે અને વ્યક્તિને તે ઊંડા આઘાતમા ંલઇ જાય છે પરંતુ આવા કપરા સંજોગોમાં પણ વિષ્ણુ સોલંકીએ ક્રિકેટ પ્રત્યે અને ટીમ પ્રત્યે જે સમર્પણ બતાવ્યુ છે તેનાથી વિષ્ણુ એક અનોખા ક્રિકેટર તરીકે તરી આવે છે' એમ આજે બરોડા ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શીતલ મહેતાએ કહ્યું હતું.