Get The App

કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બજાજ ફાઈનાન્સની ઓફિસ બંધ

Updated: Jun 5th, 2020

GS TEAM

Google News
Google News
કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા  બજાજ ફાઈનાન્સની ઓફિસ બંધ 1 - image

વડોદરા,તા.5.જુન.શુક્રવાર,2020

વડોદરા શહેરના ગેંડા સર્કલ ખાતે આવેલી બજાજ ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉમટી રહેલા લોકોના ટોળા વચ્ચે આજે આ ઓફિસના એક કર્મચારીને કોરોના થઈ ગયો હોવાનુ બોર્ડ મારીને ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી.

લોકડાઉનમાં નિયંત્રણો હળવા થયા બાદ આ ઓફિસ પાછી ખોલવામાં આવી હતી.જોકે લોકોના ટોળા ભેગા થતા હોવાથી સોશ્યલ ડિસ્ટન્સિંગ નહી જળવાતુ હોવાની બૂમો પણ ઉઠી હતી.હવે મળતી વિગતો પ્રમાણે ઓફિસના એક કર્મચારીને કોરોના  પોઝિટિવ આવ્યો છે અને તેના કારણે આજે સવારથી ઓફિસને તાળા મારી દેવાયા હતા.જોકે લોકોને આ બાબતની જાણકારી નહીં હોવાથી આજે પણ મોટી સંખ્યામાં લોકો ઓફિસની બહાર ભેગા થયા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયગાળામાં પણ બજાજ ફાઈનાન્સ દ્વારા લોનના હપ્તાના ચેક બાઉન્સ થાય તો એક નહી પણ ચાર-ચાર વખત પેનલ્ટી વસુલવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.ગ્રાહકોનુ એમ પણ કહેવુ છે કે, કંપની દ્વારા હપ્તા ભરવામાં સરકારે આપેલી રાહતનો અમલ કરવા અંગે પણ કોઈ જાણકારી અપાતી નથી.

લોકોના હોબાળાના કારણે અહીંયા છેલ્લા બે-ત્રણ દિવસથી પોલીસ તૈનાત કરવામાં આવે છે.હપ્તા ભરવા કે પૂછપરછ કરવા માટે આવેલા લોકોને પોલીસે ઘરે મોકલી દીધા હતા.આ દરમિયાન કેટલાક ગ્રાહકોએ પોલીસ પર દાદાગીરી કરીને લોકોને ડરાવવા અને ધમકાવવાનો પણ આરોપ મુક્યો હતો.લોકોનુ કહેવુ હતુ કે, પોલીસ જાણે અમે આરોપી હોઈએ તેવો વ્યવહાર કરી રહી છે.