નિકોલમાં સાસરિયાએ ૨૫ લાખના દહેજની માંગણી કરી ત્રાસ આપતા મહિલાનો આપઘાત
ગૃહ કલેશના કારણે લગ્નના સાત વર્ષમાં સુખી સંસારનો કરુણ અંજામ આવ્યો
નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોધીને તપાર હાથ ધરી
અમદાવાદ,ગુરુવાર
નિકોલમાં ગૃહ કલેશના કારણે લગ્નના સાત વર્ષમાં મહીલાએ દવા પીને આપઘાત કર્યો હતો, જેમાં ખાસ કરીને પતિ, સાસુ અને સસરાએ અવાર નવાર પરિણીતાને ત્રાસ આપીને રૃા. ૨૫ લાખની દહેજની માંગણી કરતા હતા. જેથી પરિણીતાએ ચાર વર્ષના પુત્રની ચિંતા કર્યા વગર દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સતતત રૃપિયાની માંગણી કરીને ત્રાસ આપતા કંટાળીને પરિણીતાએ દવા પીને જીવન ટૂકાવ્યું ઃ નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોધીને તપાર હાથ ધરી
નિકોલમાં રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે કે બહેન રિધ્ધીબેનના લગ્ન વર્ષ ૨૦૧૭માં નિકોલના યુવક સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ સાસરીમાં રહેવા ગયા હતા. લગ્ન બાદ થોડા મહિનામાં પતિ સહિત સાસરીયા દ્વારા અવાર નવાર નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને દહેજની માંગણી કરી ત્રાસ આપતા હતા. જેથી મહિલા જ્યારે પિયરમાં જતી તે વખતે આ અંગે ભાઇ અને માતા-પિતાને જાણ કરી હતી. ગત ૩-૦૯-૨૪ના રોજ ફરિયાદી કંપનીએ હતા ત્યારે બહેને વોટ્સએપ મેસેજ કરીને કહ્યુ કે મે મારા સાસુના લીધે દવા પીધી છે. જેથી યુવકની પત્નીએ તેમની સાસુને જાણ કરતા તેઓ તાત્કાલીક રૃમમાં જતા દરવાજો બંધ હતો.
ત્યારબાદ ફરિયાદી યુવક પરિવાર સાથે બહેનના ઘરે પહોચ્યા હતા અને દરવાજો તોડીને તુરંત બહેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં સારવાર દરમ્યાન મહિલાનું મોત થયું હતું. આ ઘટના અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.