ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર
વ્યાજખોરોના ત્રાસથી આધેડે આત્મહત્યા કરી લીધી હોવાનો પરિવારજનોનો આક્ષેપ
આણંદ: ખંભાત તાલુકાના નાના કલોદરાના આધેડે ઘરે ફાંસો ખાઈ લઈ આપઘાત કર્યો હતો. પોલીસે લાશને પીએમ માટે ખંભાતની હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. ત્યારે વ્યાજખોરોના ત્રાસથી આધેડે આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે પરિવારે વ્યાજખોર સામે ગુનો નોંધવા માંગ કરી હતી. પોલીસે તપાસ હાથ ધર્યા બાદ ગુનો નોંધવાનું જણાવતા પરિવારે હોબાળો મચાવ્યો હતો અને લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
નાના કલોદરા ગામે રહેતા રમેશભાઈ રણછોડભાઈ સામલાવાલા (ઉં.વ. ૫૦)એ ગુરુવારે અગમ્ય કારણોસર ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો મેળવી પીએમ માટે ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મૃતકના પરિવારજનો ઉમટી પડયા હતા અને વ્યાજખોરોના ત્રાસના કારણે રમેશભાઈએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, પીએમ થયા બાદ પુરતી તપાસ પછી આ અંગે ફરિયાદ નોંધવામાં આવશે તેમ પોલીસે જણાવતા પરિવારે લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
નમતી બપોર સુધી પરિવારજનો અને પોલીસ વચ્ચે સમજૂતીના પ્રયાસો ચાલ્યા હતા પરંતુ પરિવારજનો પોતાની માંગણી પર અડગ રહેતા આખરે લાશને કરમસદની હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો.


