RTOમાં હવે રોજ 200 ફોર વ્હીલર 300 ટુ વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા પડશે
- RTOમાં વ્યાપેલો વ્યાપક ભ્રષ્ટાચાર
- વાહન ચાલકોના ધસારાથી નિયમોમાં ધરખમ ફેરફાર
- શનિવારે પણ ટેસ્ટ ટ્રેક ચાલું રખાશે, સિક્યુરિટી ગાર્ડને ટેસ્ટ ટ્રેક વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ
અમદાવાદ સહિત ગુજરાતની મોટા ભાગની આરટીઓ કચેરીમાં વાહન ચાલકોના ધસારાના પગલે સરકારે નિયમોમાં ધરખમ ફેરફારો કર્યો છે. જેમાં ખાસ કરીને કાચા-પાકા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે દોઢ મહિનાની એપાઇન્ટમેન્ટ મળે છે જેથી હવે કાચા લાઇસન્સ માટે એપોઇન્ટમેન્ટનો સમય સાત દિવસથી ઓછો કરવામાં આવશ. જ્યારે પાકા લાઇસન્સના ડ્રાઇવિંગ ટેસ્ટની સંખ્યા અને સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતની આરટીઓ કચેરીમાં કાચા-પાકા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ઓન લાઇન એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે, આ એપોઇન્ટમેન્ટ પ્રક્રિયામાં વેઇટિંગ વધારે હોવાથી ગુજરાતની મોટા ભાગની આરટીઓ કચેરીમાં ૧૧ દિવસથી લઇને ૩૩ દિવસે એપાઇન્ટમેન્ટ મળતી હોય છે. બીજીતરફ વાહનોમાં વધારાના કારણે લાઇસન્સ મેળવવા માટે પણ વાહન ચાલકોમાં ધસારો વધી રહ્યો છે જેથી કાચા લાઇસન્સ માટે દૈનિક સ્લોટ વધારવા તથા વેઇટીંગ સમય સાત દિવસ કરતા ઓછો થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા વાહન વ્યવહાર કમિશનરે આદેશ કર્યો છે.
કાચા લાઇસન્સની પ્રક્રિયા ઝડપી કરવાના કારણે પાકા લાઇસન્સની કામગીરીમાં પણ વધારો કરવાની સૂચના આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને પાકા લાઇસન્સની એપોઇન્ટમેન્ટના સમયમાં તથા ડ્રાઇવિંગ ટેસ્ટમાં વાહનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં ફોર વ્હીલરના પાકા લાઇસન્સ માટે ૪૭ દિવસની એપોઇન્ટમેન્ટ મળતી હતી તેના બદલે હવે એપોઇન્ટમેન્ટમાં સમયમાં ઘટાડો કરવામાં આવશે તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ૧૭૫ વાહન ચાલકોના બદલે ૨૦૦ વાહન ચાલકોનો ટેસ્ટ લેવામાં આવશેેે જ્યારે ટુ વ્હીલરના પાકા લાઇસન્સ માટે એપોઇન્ટમેન્ટનું વેઇટીંગ હતુ તે ઘટાડવામાં આવશે તથા ૨૪૫ વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટના બદલે હવે ૩૦૦ વાહન ચાલકોનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે.
ઉપરોક્ત વેઇટીંગ અને સમય ઘટાડવા માટે આરટીઓ કચેરીમાં ડાઇવિંગ સ્ટેટની આજદિન સુધી સવારે ૧૧થી સાંજે ૬ વાગ્યા સુધી કામગીરી થતી હતી જેના બદલે આ કામગીરી સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી કરવામાં આવશે. તેમજ પ્રતિ કલાકે ડ્રાઇવિંગ ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. ઉપરાંત તમામ શનિવારે ટેસ્ટ ટ્રેક તેમજ ડાઇવિંગ ટેસ્ટ લેવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશ.
ુઉલ્લેખનીય છે કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ફોર વ્હીલર માટે ઓછામાં ઓછા ૨૦ સ્લોટ રાખવા જ્યારે ટુ વ્હીલર માટે ઓછામાં ઓછા ૩૦ સ્લોટ રાખવામાં આવશે. બાકીની આરટીઓમાં કચેરીમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટે ૧૫૦ સ્લોટ રાખવામાં આવશે. આ પ્રમાણે નિયમોમાં ફેરફાર કરવાથી આરટીઓમાં વાહન ચાલકો સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી રહેશે.
RTOમાં વ્યાપેલો વ્યાપક ભ્રષ્ટાચાર
તુંરત એપોઇન્ટમેેેન્ટના રૂા. ૫૦૦:ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ કરવા રૂા. ૩૦૦૦ પડાવાય છે
મહિના પહેલા એપોઇન્ટમેન્ટ લેનારા રખડી પડતા:રૂપિયા ખર્ચનારાને વીઆઇપી સગવડ
ભ્રષ્ટાચારથી ખદબદતી અમદાવાદ આરટીઓમાં એજન્ટો અને અધિકારીની મીલી ભગતના કારણે સામાન્ય વાહન ચાલકો બિચારા રખડી પડે છે, જયારે કાચા-પાકા તુરંત ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા રૂપિયા ખર્ચનારા લોકોને વીઆઇપી સગવડ આપવામાં આવી રહી છે.
એક તરફ લોકોનો ભારે ધસારો અને બીજીતરફ કાળઝાળ ગરમીમાં અમદાવાદ આરટીઓમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા આવતા લોકોને ભારે હેરાનગતિ થઇ રહી છે. એક બાજુ લાઇસન્સ માટે દોઢ મહિને એપોઇન્ટમેન્ટ મળે છે જ્યારે દિવસ દરમિયાન ફોર વ્હીલરના ૧૭૫ વાહન ચાલકો અને ટુ વ્હીલરના ૨૪૫ વાહન ચાલકોના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. તેમાંયે ખાસ કરીને મહિના પછીની એપોઇન્ટમેન્ટ હોય અને કાચુ લાઇસન્સ મેળવવું હોય તો ૩૦૦૦ હજાર રૂપિયા ભાવ ચાલી રહ્યો છે.
ફોર વ્હીલરમાં પણ મહિના પછીની એપોઇન્ટમેન્ટ હોય તેવા કિસ્સામાં તુરંત લાઇસન્સનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા માટે રૂા. ૩૫૦૦ ભાવ ચાલી રહ્યો છે. જેથી દિવસના આવા ૨૦થી વધુ લોકો પાસેથી પૈસા લઇને કામ કરવામાં આવતું હોવાથી ચાલુ દિવસની એપોઇન્ટમેન્ટ વાળા રખડી પડે છે. જેન ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ કમિશનરે ડ્રાઇવિગ ટેસ્ટ ટ્રેક વિસ્તારમાં એક પણ બહારની વ્યકિત તથા સિક્યુરિટી ગાર્ડને પ્રવેશવા પર પ્રતિબંધ ફરામાવ્યો છે.