મેડિકલના ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીને પણ હવે બોન્ડ લાગુ પડશે
આરોગ્ય વિભાગ દ્વારા તમામ મેડિકલ કોલેજોના ડીનને પરિપત્રઃસ્ટેટ ક્વોટાની જેમ જ બોન્ડ નીતિ લાગુ થશે
અમદાવાદ
યુજી મેડિકલ
અને પીજી મેડિકલ એમ બંને અભ્યાસક્રમોમાં હવે આ વર્ષથી ઓલ ઈન્ડિયા ક્વોટાના
વિદ્યાર્થીઓને પણ બોન્ડ નીતિ લાગુ પડશે. અન્ય રાજ્યોમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં
બોન્ડ લેવામા આવતા હોઈ ગુજરાતમાં અત્યાર સુધી ઓલ ઈન્ડિયા ક્વોટામાં બોન્ડ નીતિ
લાગુ ન હતી ત્યારે આ બાબતે સરકારને રજૂઆત કરવામા આવી હતી.જેના પગલે સરકારે આ
વર્ષથી બંને ક્વોટામાં સમાનપણે બોન્ડ નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારના
આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના ડીનને પરિપત્ર કરીને જણાવવામા
આવ્યુ છે કે રાજ્યમાં સ્નાતક એટલે કે યુજી અને અનુસ્નાતક એટલેકે પીજી મેડિકલ કોર્સીસમાં
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી પ્રવેશ મેળવનાર ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ સ્ટેટ
ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની જેમ બોન્ડ નીતિ લાગુ પડશે. આમ શૈક્ષણિક વર્ષ
૨૦૨૨-૨૩થી ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ પણ નિયત સમયગાળાની સેવા
માટે બોન્ડ આપવાનો રહેશે. આ મુજબની માહિતી મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની વેબસાઈટ પર દરેક
કોલેજો તાકીદે અપડેટ કરીને આપવાની રહેશે અને રાજ્ય સરકારને જાણ કરવાની રહેશે.
મહત્વનું છે કે નીટ પીજીની પ્રવેશ પરીક્ષા દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૫૦ ટકા બેઠકો પર મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા મેરિટના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે ત્યારે દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લે છે. ગુજરાતમાં જ કોઈ પણ પ્રકારના બોન્ડની જોગવાઈ પીજી ઓલ ઈન્ડિયા ક્વોટા માટે કરવામા આવી નથી. જેથી ગુજરાતમાં ઓલ ઈન્ડિયા ક્વોટમાં પ્રવેશ લઈ અભ્યાસ પૂર્ણ કરીને સરકારી મેડિકલ કોલેજોમાં નહિવત ફીમાં ભણીને બોન્ડ ભર્યા વિના કે સરકારની હોસ્પિટલોમાં સેવા આપ્યા વિના વિદ્યાર્થીઓ પોતાના રાજ્યોમાં પરત જતા રહે છે.આ બાબતે કેન્દ્રિય આરોગ્યમંત્રીને રજૂઆત કરવામા આવી હતી અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૫૦ ટકા સરકારી બેઠકોમા પ્રવેશ લેનાર દરેક વિદ્યાર્થી માટે બોન્ડ નીતિ લાગુ કરવાની માંગ કરવામા આવી હતી.