ટેકનિકલ કોલેજોમાં આચાર્ય સહિતની પોસ્ટમાં હવે વયમર્યાદા ૭૦ વર્ષની
શારીરિક સ્વસ્થ હોય અને ટેકનિકલ બુક્સ-રીસર્ચ પેપર લખ્યા હોય તેવા ફેકલ્ટીને પાંચ વર્ષનું એક્સટેન્શન મળશે
અમદાવાદ
એઆઈસીટીઈના
ખાનગી ટેકનિકલ કોલેજો માટેના ભરતીના નિયમોમાં છેલ્લે કરવામા આવેલા સુધારા મુજબ હવે
આચાર્ય-ડિરેકટર અને ફેકલ્ટી સહિતની રેગ્યુલર પોસ્ટમાં વયમર્યાદામાં પાંચ વર્ષનું
એક્સટેન્શન સંસ્થાઓ આપી શકશે.ખાનગી ટેકનિકલ કોલેજો હવે ડાયરેકટર-આચાર્ય અને ફેકલ્ટી
મેમ્બર્સને તેમની ૭૦ વર્ષની ઉંમર સુધી સંસ્થામાં રાખી શકશે.
ઓલ ઈન્ડિયા
કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)ના અગાઉના નિયમો મુજબ સેલ્ફ ફાઈનાન્સ
ટેકનિકલ કોલેજો રેગ્યુલર પોસ્ટમાં ૬૫ વર્ષ સુધીના જ ઉમેદવારને રાખી શકતી હતી એટલે
કે જે આચાર્ય-ડિરેક્ટર કે અધ્યાપકને ૬૫ વર્ષ પુરા થાય તેઓ નિવૃત થાય છે અને ૬૫
વર્ષથી ઉપરની વ્યક્તિને આચાર્ય,ડિરેકટર કે અધ્યાપક તરીકે કોલેજો રાખી શકતી
ન હતી. એઆઈસીટીઈના છેલ્લા રીક્રુટમેન્ટ રૃલ્સ એમેન્ડમેન્ટ મુજબ ખાનગી કોલેજો હવે
આચાર્ય,ડિરેકટર કે ફેકલ્ટી મેમ્બરને તેમની ૭૦ વર્ષની ઉંમર સુધી
રાખી શકશે.
જો કે તે માટે કેટલીક શરતો નક્કી કરવામા આવી છે.જે મુજબ શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય, ટેકનિકલ બુક્સ લખી હોય તેમજ રીસર્ચ પેપર પબ્લિશ થયા હોય અને છેલ્લા ત્રણ વર્ષની સર્વિસ દરમિયાન ૧૦માંથી ૮ પોઈન્ટ જેટલો સારો ફિડબેક મળ્યો હોય તેવા આચાર્ય,ડિરેકટર કે અધ્યાપકને ૭૦ વર્ષની વયમર્યાદા સુધી કોલેજમાં સર્વિસ માટે રાખી શકાશે. અગાઉ જે ૬૫ વર્ષની વયમર્યાદા હતી તેમાં હવે નવા સુધારા મુજબ પાંચ વર્ષનું એક્સટેન્શન શરતો મુજબ અધ્યાપકોને -ફેકલ્ટી મેમ્બર્સને રેગ્યુલર પોસ્ટમાં આપી શકાશે.જીટીયુ દ્વારા એઆઈસીટીઈના આ સુધારા સાથે તમામ ખાનગી ટેકનિકલ કોલેજોને પરિપત્ર પણ કરી દેવાયો છે અને રાજ્યની ડિગ્રી ઈજનેરી,ડિપ્લોમા ઈજનેરી, એમબીએ-એમસીએ તેમજ હોટલ મેનેજમેન્ટ સહિતની ખાનગી ટેકનિકલ કોલેજો માટે આ સુધારો લાગુ પડશે.