કોરોનાની તાલિમમાં હાજર નહીં રહેનાર 241 વિદ્યાર્થીઓને નોટિસ
- કોરોનાના પ્રારંભથી જ વિદ્યાર્થીઓ-અધિકારીઓ વચ્ચે ખેંચતાણ
- વિદ્યાર્થીઓ નહીં સમજે તો ફોજદારી સહિતના વધુ આકરાં પગલાંની તંત્રની ચીમકી : કેસો વધતા સ્ટાફની પડતી જરૂર
અમદાવાદ, તા. 30 જુલાઇ, 2020, ગુરૂવાર
અમદાવાદ મ્યુનિ. દ્વારા કોરોનાની સારવાર અને તેને આનુસાંગિક કામગીરી કરવા અંગે મેડિકલના વિદ્યાર્થીઓને તા. 28 થી 30 દરમ્યાન તાલિમ આપવાની હતી. જેમાં આદેશ આપવા છતાં તા. 28મીએ 115 અને 29મીએ 126 મળી 241 વિદ્યાર્થીઓ હાજર નહીં રહેતા તેમને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
તેઓ વિદ્યાર્થીઓ હોવાથી તેમની વિરૂધ્ધ અન્ય કોઇ આકરાં પગલાં લેવામાં આવેલ નથી, તેમ પણ મ્યુનિ. તંત્રએ જણાવ્યું છે. આમ છતાં હાજર નહીં રહેનારા સામે ફોજદારી સહિતના આકરાં પગલાં લેવાશે. આ અંગે એક યાદીમાં ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે કોરોનાના પ્રારંભથી એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
આ ઉપરાંત ધનવંતરી રથ, રેપિડ-એન્ટિજન ટેસ્ટ ઘરે હોમ-આઇસોલેશનમાં રહેતા દર્દીને સારવાર વગેરે બાબતોમાં ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. જેના સંદર્ભમાં એન.એચ.એલ. મેડિકલ કોલેજ અને એએમસીમેટ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને કોવિડ સહાયક તરીકે તાલિમ માટે હાજર રહેવા વિદ્યાર્થીઓને જણાવાયું હતું.
આમ છતાં 22મી તારીખની તાલીમમાં ગેરહાજર રહેનાર તમામને નોટિસો ફટકારાઇ હતી. બાદમાં એમબીબીએસ પાર્ટ 1 અને 2 ના તમામ વિદ્યાર્થીઓને તા. 28 થી 30ની તાલિમમાં હાજર રહેવા ફરી જણાવાયું હતું જેમાં ગેરહાજર રહેનારને નોટિસો અપાઇ છે.
આ વિદ્યાર્થીઓને પીપીઇ કીટ, માસ્ક, ગ્લોવ્ઝ પહેરવા, રેપિડ ટેસ્ટ કરવા, ફિલ્ડ સર્વેલન્સની કામગીરી કરવી, દર્દીના પ્રશ્નો સાંભળી સિનિયર ડોકટર સાથે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવું વગેરે બાબતો આ તાલિમમાં શીખવવામાં આવે છે.
જોડાનારને ટીમ દીઠ ટ્રાન્સપોર્ટેશન સુવિધા, પીપીઇ કીટ, એન95-માસ્ક, ફેસ શીલ્ડ, ગ્લોવ્ઝ, નાસ્તાના પેકેટ, મિનરલ વોટર, લંચપેક વગેરે અપાય છે. રોજના 250 રૂ. પ્રોત્સાહક ભથ્થુ, પ્રમાણપત્ર, બહારનાને હોસ્ટેલમાં રહેવાની સુવિધા પણ પુરી પડાય છે. જીસીએસ મેડિકલ કોલેજ 15 ટીમો મોકલી છે.