FOLLOW US

નવરાત્રિમાં મ્યુઝિકલ પાર્ટીઓની ફી નહીં પોષાતા લોકો સાઉન્ડ સિસ્ટમ તરફ વળ્યા

Updated: Sep 23rd, 2022


- અનેક સોસાયટીઓએ પેનડ્રાઈવ લગાવી શકાય તેવી સાઉન્ડ સિસ્ટમ વસાવી લીધી

- રૂ.7,500થી 15 હજાર સુધીની પેનડ્રાઈવથી ચાલતી સાઉન્ડ સિસ્ટમોનું વધારે વેચાણ : વેપારીઓ

અમદાવાદ : નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે શેરીએ શેરીએ માતાજીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચણિયાચોળી, કેડિયા, આભૂષણોથી લઈને ગરબા ગાવા કોણ આવશે? તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તેવામાં બજારમાં સાઉન્ડ સિસ્ટમનું વેચાણ આ વર્ષે વધુ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે મ્યુઝિકલ પાર્ટીઓ ગરબા ગાવા માટે નવરાત્રિના સમયમાં રૂ.૨૫,૦૦૦ થી રૂ.૩૦૦૦૦ જેટલો ચાર્જ પ્રતિદિન માટે લેતા હોય છે, જેથી ગરબા આયોજકોને નવ દિવસના આશરે રૂ.૨.૫૦ લાખથી રૂ.૩ લાખ સુધી નાણા ચૂકવવા પડતાં હોય છે. જ્યારે બજારમાં મળતા વિવિધ મોટા સાઉન્ડ સિસ્ટમ રૂ.૨૫ હજારથી રૂ.દોઢ લાખની કિંમતમાં આવી જતા હોય છે. જેથી આયોજકો એક વખત ના રોકાણ તરીકે સાઉન્ડ સિસ્ટમ ખરીદવા તરફ વળ્યા છે.

રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિયેશનના પ્રમુખ મેઘરાજ ડોડવાણી જણાવે છે કે, શેરી અને સોસાયટીના ગરબા આયોજકો તેમજ ગામડાના લોકો પેનડ્રાઈવ લગાવી શકાય તેવી સાઉન્ડ સિસ્ટમ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે  રૂ.૫૦૦૦ થી રૂ.૧૫૦૦૦ ની કિંમતના નાના સાઉન્ડ સિસ્ટમ આવે છે. શેરી અને સોસાયટીમાં રહેતા રહીશોની સંખ્યાના આધારે લોકો આવી સિસ્ટમની પસંદગી કરતા હોય છે. મોટા ભાગે લોકો રૂ.૭૫૦૦ થી રૂ.૧૦,૦૦૦ ની કિંમતના સાઉન્ડ સિસ્ટમ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. મોટી સોસાયટી હોય તો રૂ.રપ હજારથી એક લાખ સુધીની સાઉન્ડ સિસ્ટમો વસાવતા હોય છે. પહેલા કેસેટ અને સીડી/ડીવિડીથી ચાલતી સાઉન્ડ સિસ્ટમનું સ્થાન હવે પેનડ્રાઈવથી ચાલતી સાઉન્ડ સિસ્ટમે લીધું છે. ઉપરાંત દર વર્ષે રૂ.૨.૫૦ લાખ થી રૂ.૩ લાખ ચૂકવવા કરતા એક વખતનું રોકાણ ગણી સાઉન્ડ સિસ્ટમ લેવાનો ગરબા આયોજકો આગ્રહ રાખી રહ્યા છે.

Gujarat
English
Magazines