Get The App

હંસા મહેતા લાઈબ્રેરીમાં બે વર્ષમાં એક પણ નવુ પુસ્તક ખરીદાયું નથી

Updated: Feb 21st, 2023

GS TEAM


Google News
Google News
હંસા મહેતા લાઈબ્રેરીમાં બે વર્ષમાં એક પણ નવુ પુસ્તક ખરીદાયું નથી 1 - image

વડોદરાઃ દેશની તમામ યુનિવર્સિટીઓમાં સૌથી મોટી લાઈબ્રેરીઓ પૈકીની એ એમ.એસ.યુનિવર્સિટીની હંસા મહેતા લાઈબ્રેરીમાં છેલ્લા ૨ વર્ષથી એક પણ પુસ્તક કે જર્નલની ખરીદી થઈ નથી.જેના પગલે નવ કરોડ રુપિયાની ગ્રાંટ એળે જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે ભૂતકાળમાં લાઈબ્રેરી દ્વારા પુસ્તકો ખરીદવાની પ્રક્રિયા સામે સિન્ડિકેટ દ્વારા સવાલો ઉઠાવાયા હતા.કેટલાક સિન્ડિકેટ સભ્યોેએ કહ્યુ હતુ કે, લાઈબ્રેરી સત્તાધીશો  પુસ્તકોની ખરીદીમાં પબ્લિકેશન હાઉસ પાસે ઓછુ ડિસ્કાઉન્ટ લે છે.જોકે તેની સામે યુનિવર્સિટી લાઈબ્રેરિયનની દલીલ હતી કે, લાઈબ્રેરી કમિટિમાં સિન્ડિકેટ સભ્યોનો સમાવેશ થયેલો છે.આ કમિટિ દ્વારા જે ખરીદી પ્રક્રિયા નક્કી કરાઈ છે તે જ પ્રમાણે  અને તેટલા ડિસ્કાઉન્ટથી પુસ્તકો ખરીદવામાં આવી રહ્યા છે.

જોકે આ વિવાદ વકરતા એક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટિ બનાવવામાં આવી હતી.આ કમિટિનો રિપોર્ટ હજી આવ્યો નથી અને તેની બેઠકો પણ મળવાની બંધ થઈ ગઈ છે.જોકે ખરીદી પ્રક્રિયા સામે ઉઠેલા સવાલ બાદ લાઈબ્રેરી સત્તાધીશોેએ બે વર્ષથી પુસ્તકોની ખરીદી કરવાનુ બંધ કરી દીધુ છે.સત્તાધીશો કમિટિના અહેવાલની રાહ જોઈ રહ્યા છે.

બીજી તરફ પુસ્તક ખરીદી માટેની ગ્રાંટ પણ વપરાયા વગરની પડી રહી છે.જેમ કે ૨૦૨૧-૨૨માં ૪.૫૦ કરોડ રુપિયાની ગ્રાંટ અપાઈ હતી.પણ પુસ્તકો, જર્નલ, ઈ જર્નલ અને ડેટા બેઝની ખરીદીના અભાવે આ ગ્રાંટ લેપ્સ થઈ ગઈ હતી.જ્યારે ૨૦૨૨-૨૩નુ વર્ષ પૂરુ થવાના આડે પણ એક મહિનો જ બાકી છે ત્યારે આ વર્ષની ૪.૫૦ કરોડની ગ્રાંટ પણ નકામી જશે તે નિશ્ચિત છે.આમ બે વર્ષમાં નવ કરોડ રુપિયા વપરાયા વગરના રહ્યા છે અને કદાચ યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, બે વર્ષમાં એક પણ નવુ પુસ્તક વસાવવામાં આવ્યુ નથી.આ મુદ્દે જાણકારી માટે વારંવાર પ્રયત્ન પછી પણ લાઈબ્રેરિયન મયંક ત્રિવેદીનો સંપર્ક થઈ શક્યો નહોતો.

Tags :