વડોદરામાં કમાટીબાગના ઝૂમાં નિશાચર પ્રાણીઓનું આકર્ષણ વધારશે
Updated: Sep 19th, 2023
- શાહુડી અને વનિયર માટે 3.74 કરોડના ખર્ચે પાંજરા બનાવવામાં આવશે
- આ પ્રાણીઓ જંગલમાં રાત્રે જ એક્ટિવ હોય છે તેથી નિશાચર કહેવાય છે
વડોદરા,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટી બાગ ઝુમાં નોકટરનલ સેકશન એટલે કે નિશાચર પ્રાણીઓના વિભાગમાં પોર્ક્યુપાઇન, સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટના પાંજરા 3.74 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. કમાટીબાગના ઝુ રી-ડેવેલોપમેન્ટની કામગીરીના ભાગરૂપે ફેઝ-2 અંતર્ગત ઝુમાં પોકર્યુપાઇન એટલે કે શાહુડી તેમજ સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટ એટલે કે વનિયરના કુલ 3 પાંજરા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.
આ પ્રાણીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બીજા પ્રાણીસંગ્રહાલયમાંથી લાવવામાં આવશે. જે એકાદ વર્ષમાં મળી જશે તેમ લાગે છે. આ પ્રાણીઓ નિશાચર એટલે કે રાત્રિના સમયે જોવા મળે છે. દિવસે જોવા મળતા નથી. કમાટીબાગ ઝૂમાં શાહુડી છે, પરંતુ વનિયર નથી. તેની એક એક જોડી લાવવામાં આવશે. આ વનિયરએ બિલાડી કુળનું પ્રાણી છે, અને નોળીયાથી થોડું મોટું દેખાય છે. શરીર પર ચટ્ટાપટ્ટા હોય છે, અને ઝાડ પર સહેલાઈથી ચડી જાય છે. તે શાકાહારી અને માંસાહારી છે. સામાન્ય રીતે લોકો જંગલમાં વન્યપ્રાણી દર્શન માટે જાય છે, ત્યારે તેઓનેએ ખબર નથી હોતી કે જંગલમાં અમુક પ્રાણીઓ રાત્રે પણ એક્ટિવ હોય છે. જેમાં ઉપર દર્શાવેલા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ પ્રાણીઓ પ્રવાસીઓને પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતા નિશાચર પ્રાણીઓ વિશે પણ માહિતગાર થઈ શકે છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં સિવેટને કોફીના ફળ ખવડાવવામાં આવે છે. જેમાં કોફીના બી તેઓ પચાવી શકતા નથી અને હગાર દ્વારા બહાર કાઢી નાખે છે. આ બી એકત્રિત કરવામાં આવે છે કે જેના પર પાચક રસો હોય છે. આ બીમાંથી પ્રોસેસ કરીને જે કોફી બનાવવામાં આવે છે તેનો ભાવ ખૂબ જ ઊંચો હોય છે, એટલે કે દુનિયાની મોંઘી કોફીમાં તેની ગણતરી થાય છે. આ ઉપરાંત સિવેટ ઝાડ પર સહેલાઈથી ચડી શકતું હોવાથી તાડના ઝાડ પર તાડીનો રસ ભેગો કરવા મજુર ઝાડ પર ચડીને રાત્રે ઉપર માટલું બાંધી આવે છે અને સવાર સુધીમાં તાડીનો રસ માટલામાં ભેગો થાય ત્યારે વહેલી પરોઢે સિવેટ ઝાડ પર ચડીને પી જાય છે. આમ સિવેટ ચતુર પ્રાણી છે, માનવીએ કરેલી મહેનતનું તે ઝાપટી જાય છે.