માર્ગ અને મકાન વિભાગમાં અધિક્ષક ઇજનેર સહિત અનેક જગ્યા ચાર્જમાં
મહિનાઓથી અનેક જગ્યાઓના પદ ખાલી ઃ ભરૃચ અને ગોધરામાં તો બે-બે કાર્યપાલક ઇજનેર
વડોદરા, તા.4 ફેબ્રુઆરી, મંગવાર
મધ્ય ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગમાં અધિક્ષક ઇજનેરથી માંડી કાર્યપાલક ઇજનેર સુધીની અનેક જગ્યાઓ ઇન્ચાર્જ પર ચાલે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રમોશન ઉપરાંત બદલી લાંબા સમયથી નહી થતા માર્ગ અને મકાન વિભાગના મહત્વના પ્રોજેક્ટોને પર પણ તેની અસર પડી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા સર્કલમાં વડોદરા શહેર-જિલ્લો ઉપરાંત ભરૃચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે. વડોદરા સર્કલમાં અધિક્ષક ઇજનેર એચ.સી. મોદીની બદલી થયા બાદ તેમના સ્થાને વડોદરા શહેર કાર્યપાલક ઇજનેર દેલવાડીયાને ચાર્જમાં સોંપાઇ હતી. લગભગ આઠ મહિનાથી આ જગ્યા હજી ઇન્ચાર્જના હવાલે છે.
આ ઉપરાંત વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા લાંબા સમયથી ઇન્ચાર્જ પર ચાલતી હતી પરંતુ બાદમાં આર.ડી. પટેલનું પોસ્ટીંગ કરાયું હતું. જો કે ભરૃચ અને છોટાઉદેપુરમાં કાર્યપાલક ઇજનેરની ખાલી જગ્યાનો ચાર્જ પણ આર.ડી. પટેલને સોંપવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે ભરૃચમાં કાર્યપાલક ઇજનેર ડી.એચ. શાહ મે માસમાં નિવૃત્ત થયા હતા બાદમાં નાયબ કાર્યપાલક ઇજનેરને ચાર્જ સોંપાયો હતો જો કે ડી.એચ. શાહ સરકારમાંથી એક્સટેન્શન લઇને આવતા ફરી તેઓ ભરૃચમાં બેઠા છે આમ ભરૃચમાં હવે બે-બે કાર્યપાલક ઇજનેરો ફરજ બજાવે છે.
આવી જ રીતે પંચમહાલમાં એન.સી. ભટ્ટ નિવૃત્ત થયા બાદ તેઓ પણ ચાર વર્ષથી ચાર્જમાં છે. પંચમહાલમાં પણ બે-બે કાર્યપાલક ઇજનેર ફરજ બજાવી રહ્યા છે. સરકારની આ વિચિત્ર નીતિના કારણે સ્ટાફ પણ હેરાન પરેશાન થઇ ગયો છે. પંચમહાલમાં એન.સી. ભટ્ટ ઉપરાંત મહીસાગર જિલ્લાના એસ.કે. પટેલને ચાર્જ સોંપાયો છે. છોટાઉદેપુરમાં ડેપ્યુટી એન્જિનિયરના આપઘાત બાદ કાર્યપાલક ઇજનેર તહેલીયાણી સામે ગુનો દાખલ થયા બાદ આ જગ્યા પણ ચાર્જમાં ચાલતી હતી. હવે ચાર્જના અધિકારીના બદલે વડોદરાના કાર્યપાલક ઇજનેર આર.ડી. પટેલને ચાર્જ સોંપાયો છે.
દાહોદમાં કાર્યપાલક ઇજનેરનું કાયમી પોસ્ટીંગ છે. અધિક્ષક ઇજનેરથી માંડી જિલ્લા કક્ષાની અન્ય મહત્વની જગ્યાઓ ખાલી અને ચાર્જ પર ચાલી રહી છે. નર્મદા જિલ્લામાં કાયમી પોસ્ટીંગ ધરાવતા આઇ.વી. પટેલ તેમજ વડોદરાના આર.ડી. પટેલ જૂન માસમાં નિવૃત્ત થાય છે જેથી ત્યાર બાદ વધારે જગ્યાઓ ચાર્જમાં ચાલે તેવી શક્યતા જણાય છે.