For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પત્ની 'ઘરેલુ હિંસા' કરે તો પતિના રક્ષણ માટે કોઇ કાયદો જ નથી

-આજે 'ઇન્ટરનેશનલ મેન્સ ડે' : 'મર્દ કો ભી દર્દ હોતા હૈ'

-તજજ્ઞાોના મતે, 'પતિને પણ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કાયદાકીય રક્ષણ મળવું જોઇએ'

Updated: Nov 18th, 2021

અમદાવાદ, ગુરુવાર

મોટાભાગના પરિવારમાં મોભી પુરુષની ભૂમિ ઘર પર આવતા પડકારો સામે ઢાલ બનીને અડીખમ રક્ષણ આપવાની હોય છે. પરંતુ આ જ પતિ પર પત્ની ઘરેલુ હિંસા કરે ત્યારે તેના રક્ષણ માટે હજુ સુધી કોઇ કાયદાકીય જોગવાઇ નથી. મદ્રાસ હાઇકોર્ટે પણ આ વર્ષે જૂનમાં એક ચૂકાદા વખતે ટાંક્યું હતું કે 'એ કમનસિબ બાબત છે કે પત્ની  જ્યારે ખોટો કેસ કરીને પતિને ફસાવવાનો પ્રયાસ કરે તો તેના માટે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ જેવી કોઇ જોગવાઇ નથી. ' આવતીકાલે 'ઇનન્ટરનેશનલ મેન્સ ડે' છે ત્યારે પતિને પણ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કાયાદાકીય રક્ષણ મળવું જોઇએ તેમ તજજ્ઞાોનું માનવું છે.

છેલ્લા બે દાયકાથી ૧૯ નવેમ્બરની ઉજવણી 'ઇન્ટરનેશનલ મેન્સ ડે' તરીકે કરવામાં આવે છે. ભારતમાં વર્ષ ૨૦૦૭થી 'ઇન્ટરનેશનલ મેન્સ ડે' ની ઉજવણી શરૃ કરવામાં આવી હતી. મોટાભાગના પુરુષ તેમના પરિવારની સુખાકારી માટે 'જીવન યજ્ઞા' માં પોતાની જાતને હોમી નાખતા હોય છે તેથી 'ઇન્ટરનેશનલ મેન્સ ડે'ને ઉજવવા પાછળનો મુખ્ય આશય છે. હવે  આવતીકાલે 'ઇન્ટરનેશનલ મેન્સ ડે' ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક કાયદામાં પતિને પણ રક્ષણ આપવાની જરૃર હોવાનો તજજ્ઞાોનો મત છે.

કાયદાના તજજ્ઞાોના મતે, પત્નીએ પતિ ઉપર ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હોય તેવું છાસવારે જોવા મળતું હોય છે. કોઇ પણ પતિ દ્વારા પત્ની પર ઘરેલુ હિંસા કરવામાં આવે તો તેના માટે કડકમાં કડક સજા થવી જ જોઇએ. પરંતુ ઘરેલુ હિંસા સામે કાયદાનું આવું જ રક્ષણ પતિને પણ મળે તેના માટે કાયદાકીય જોગવાઇ હોવી જોઇએ. પત્ની તેના પતિને માર મારે કે, ભોજન ન આપે તેવા કિસ્સામાં ઘરેલુ હિંસાની જોગવાઇ લાગુ પડવી જોઇએ. જેના સ્થાને પતિ પાસે એકમાત્ર વિકલ્પ પોલીસ ફરિયાદનો હોય છે.

આ અંગે કાયદાના તજજ્ઞાોનું માનવું છે કે, એક તરફ મહિલા-પુરુષને સમોવડી ગણવામાં આવે છે. પરંતુ ઘરેલુ હિંસાની વાત આવે તો તેમાં પુરુષને રક્ષણ મળે તેના માટે કોઇ જોગવાઇ જ નથી. પત્ની દ્વારા માર મારવામાં આવે તો સમાજમાં નીચા જોણાના ડરે મોટાભાગના પતિ ફરિયાદ નોંધાવવાનું ટાળતા હોય છે. અનેક પુરુષો પણ પત્ની દ્વારા ક્રુરતાનો ભોગ બનતા હોય છે. પરંતુ તેમના રક્ષણ માટે કોઇ કાયદો ઘડવામાં આવ્યો જ નથી. પુરુષોને ઘરેલુ હિંસા સામે રક્ષણ મળે તેના માટે પણ કાયદો હોવો જોઇએ.

કાયદા નિષ્ણાતોએ સાથે એમ પણ ઉમેર્યું કે એક સ્ત્રી ઈચ્છે ત્યારે છૂટાછેડા લઇ શકે છે. પરંતુ પતિને છૂટાછેડા લેવા હોય અને પત્ની ઈન્કાર કરતી હોય તો તેના માટે પુરુષને વર્ષો સુધી રાહ જોવી પડતી હોય છે. અમદાવાદમાં જ એક પતિએ છૂટાછેડા માટે ૨૦૦૧માં અરજી કરી હતી પણ તેની પત્નીની તેમાં સંમતિ નહોતી. જેના કારણે ૨૦૧૧ સુધી કાયદાકીય આંટીઘૂંટીમાં સપડાયા બાદ એ પતિને છૂટાછેડા મળવાથી ઈન્કાર કરી દેવાયો હતો. છૂટાછેડાના કાયદા માટે પણ સમાન જોગવાઇ હોવી જોઇએ તેમ તજજ્ઞાોનું માનવું છે.

 

લગ્ન સંબધિત સમસ્યાને લીધે એક વર્ષમાં ૨૨૫ પુરુષની આત્મહત્યા

લગ્ન સંબધિત સમસ્યાને લીધે  વર્ષ ૨૦૨૦માં ગુજરાતમાંથી ૩૫૯ વ્યક્તિ  દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. જેમાં પુરુષોનું પ્રમાણ સૌથી વધુ ૨૨૫ અને મહિલાઓનું પ્રમાણ ૧૩૪ હતું.

 

 

Gujarat