વડોદરામાં રાત્રે વછુટતા ઝેરી ગેસનું કારણ તંત્ર હજી શોધી શક્યુ નથી
ગયા વર્ષે પણ તીવ્ર વાસ શહેરમાં ફેલાઇ હતી પરંતુ વિવિધ સરકારી ખાતાઓ સમસ્યાનું મૂળ પકડવામાં નિષ્ફળ રહ્યા હતા
વડોદરા, તા.30 જાન્યુઆરી, ગુરૃવાર
વડોદરા શહેરમાં મોડી રાત્રે સયાજીગંજ, પ્રતાપગંજ, ગોરવા, ટીપી-૧૩ જેવા વિસ્તારોમાં ઝેરી ગેસની દુર્ગંઘ આવતા લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી આવ્યા હતા. ગેસ જેવી દુર્ગંધ એકદમ તીવ્ર બનતા પોલીસ, ફાયરબ્રિગેડ, કલેકટર અને જીપીસીબીને ફોન પર ગંભીર ફરિયાદો મળતા વહીવટી તંત્ર દોડતું થયું હતું પરંતુ આજ દિન સુધી આ તીવ્ર દુર્ગધ ક્યાથી આવે છે તે શોધી શકાયું નથી.
આ અંગે વડોદરાના જાગૃત નાગરિકો દ્વારા આજે કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે જે ગેસ લીક થયો તેની અસર જોતા આ ગેસ ઝેરી હોય તે સ્પષ્ટ જણાય છે. ગેસની અસરથી લોકોને ગુંગળામણ અને શ્વાસોશ્વાસ લેવામાં જે રીતે તકલીફ પડતી હતી અને ખાસ કરીને બાળકો, વૃદ્ધો, શ્વાસોશ્વાસની તકલીફવાળા બીમાર દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ પર તેની અસર પડી શકે તેમ હતો , જે ગંભીર બાબત છે.
આ બાબતે ગંભીર તપાસ કરીને પોલીસ કાર્યવાહી કરવામાં આવે. કયો ગેસ છે? લીક ક્યાંથી થયો? તેના નામ સાથે તેની માહિતી જાહેર કરવા તેમજ જવાબદારોને પકડી સજા કરવાની માંગણી કરાઇ હતી. ભૂતકાળમાં દુર્ગંધ એટલે કે ગેસ ગળતર કેવી રીતે થયું ? ક્યાંથી ગેસ લીક થયો ? તેની કોઈ પણ માહિતી ઉપલબ્ધ ન કરીને બેદરકારી અને ભ્રષ્ટાચાર કરી વહિવટીતંત્રે ભીનું સંકેલી દીધુ હોય તેવા આક્ષેપો પણ કરાયા હતાં.
વડોદરા વહિવટીતંત્ર પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે, જે સત્તાવાળાઓ પાસે કાગળ પર છે, જેમાં મેનેજમેન્ટ સેલ પણ છે. જેમાં વિવિધ સરકારી, બિનસરકારી એજ્ન્સીના સભ્યો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ હોય છે. તેમાં કોણ છે ? શું કરે છે ? એ કોઈને ખબર નથી ? સત્તાવાળાઓ દ્વારા દરેક ફેકટરીઓ પાસે ઓન-સાઈટ (ફેક્ટરીની અંદર) ઈમરજન્સી પ્લાન હોવો જોઈએ તથા ઓફ સાઈટ ઈમરજન્સી પ્લાન જે ખુબ જ મહત્વની બાબત છે પરંતુ ડિઝાસ્ટર વખતે જ તેનો અમલ થતો નથી.