Get The App

સોસાયટીઓમાં નવા વર્ષને આવકારવા માટે નાના પાયે પાર્ટીઓ યોજાઈ

Updated: Dec 31st, 2021

GS TEAM


Google News
Google News
સોસાયટીઓમાં નવા વર્ષને આવકારવા માટે નાના પાયે પાર્ટીઓ યોજાઈ 1 - image

વડોદરાઃ કોરોનાના વધતા કેસ અને ૧૧ વાગ્યાથી રાત્રી કરફ્યૂના ચુસ્ત અમલ વચ્ચે વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટનુ સેલિબ્રેશન જાહેર રસ્તાઓ કરતા ઘરની ચાર દિવાલો વચ્ચે વધારે થયુ હતુ.

૨૦૨૧ના વર્ષને વિદાય આપવા માટે અને ૨૦૨૨ના નવા વર્ષને આવકારવા માટે શહેરની હોટલો અને પાર્ટી પ્લોટોમાં તો ડાન્સ ડિનર પાર્ટીઓ યોજાઈ નહોતી પણ ઉજવણી કરવાના શોખીનોએ નાના પાયે સોસાયટીઓમાં અને પોળોમાં પાર્ટીઓમાં આયોજન કર્યા હતા.સોસાયટીના ક્લબ હાઉસોમાં મર્યાદિત સંખ્યામાં ડાન્સ-ડિનર પાર્ટીઓના આયોજન થયા હતા.કેટલાક ઉત્સાહીઓએ અગાસીઓ પર રાસ-ગરબા સાથે પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હતી.

રાત્રે ૧૧ વાગ્યાથી કરફ્યૂનો અમલ તેમજ શહેરના સીમાડાઓ પર પોલીસના કડક ચેકિંગના પગલે શહેરની આસપાસ આવેલા ફાર્મ હાઉસોમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીની ચમક ઝાંખી પડી હતી.ઘણા ખરા લોકોએ ચાર દિવાલો વચ્ચે જ નવા વર્ષને આવકારવાનુ પસંદ કર્યુ હતુ.

ઠંડીના સૂસવાટો અને પોલીસ દ્વારા થઈ રહેલા પેટ્રોલિંગના કારણે શહેરમાં સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન માટે હોટ સ્પોટ બનતા વિસ્તારો પર પણ આજે પ્રમાણમાં ઓછી ભીડ જોવા મળી હતી.જે લોકો એકઠા થયા હતા તેમને પણ પોલીસે વિખેરવા માંડયા હતા.

રાત્રી કરફ્યૂના નિયંત્રણ વગર પાર્ટીના માહોલમાં થર્ટી ફર્સ્ટનુ સેલિબ્રેશન કરવા માંગતા ઘણા શહેરીજનો દીવ, દમણ અને કેવડિયા કોલોની  જેવા સ્થળોએ પહોંચી ગયા હતા.કેટલાક લોકોએ ગુજરાત બહાર ઉદપુર અને આબુ જેવા સ્થળોએ પણ નવા વર્ષની ઉજવણી કરવાનુ પસંદ કર્યુ હતુ.

Tags :