Get The App

ફાયર સેફ્ટીની નવી વ્યવસ્થા જાહેર હવે ઓનલાઇન NOC મળશે

- હોસ્પિટલો-ફેક્ટરીઓમાં આગ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી

-ફાયર સેફ્ટી માટે ખાનગી કંપનીઓ પાસે ચકાસણી કરાવી શકાશે : ૨૬ જાન્યુઆરીથી નવી વ્યવસ્થાનો અમલ

Updated: Dec 13th, 2020

GS TEAM


Google News
Google News

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલો-કોમર્શિયલ કોમ્પલેક્સ-ઇન્ડસ્ટ્રીઝમાં આગની દુર્ઘટનામાં થયેલા વધારા બાદ આખરે સરકાર સફાળી જાગી છે. રાજ્યમાં આગની દુર્ઘટનાઓ પર અંકૂશ મેળવવા માટે સરકાર દ્વારા નવી ફાયર પોલિસી ઘડવામાં આવી છે. જેના ભાગરૃપે ફાયર  સેફ્ટી  માટે હવે ખાનગી કંપનીઓ પાસે ચકાસણી કરાવી શકાશે. અને તંત્ર વધુ મજબૂત કરવામાં આવશે. આ ઉપરાંત ફાયર સેફ્ટી ઓફિસર તરીકે યુવા ઈજનેરોને નિર્દિષ્ટ જરૃરી તાલીમ લીધા બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ખાનગી પ્રેક્ટિસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. દરેક હાઇરાઇઝ્ડ બિલ્ડિંગ, વાણિજ્યિક સંકુલો, કોલેજ, હોસ્પિટલો અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફ્ટી પોર્ટલ વિકવાશે. રાજ્યમાં ૨૬ જાન્યુઆરીથી આ ફાયર પોલિસી અમલમાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૃપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલકતને રક્ષણ આપવા ફાયર સેફ્ટી અંગે કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે. જેના ભાગરૃપે રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારકિર્દી ઘડીને ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે યુવા ઈજનેરોને નિર્દિષ્ટ જરૃરી તાલીમ લીધા બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ખાનગી પ્રેક્ટિસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. આ પ્રકારના પ્રેક્ટિસ કરતાં ખાનદી ફાયર સેફ્ટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરવામાં આવશે. આવા ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ-૨૦૧૩ની કલમ-૧૨ની જોગવાઇ મુજબ કરાશે. આ નિર્ણયથી નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, એનઓસી, રિન્યુઅલ વગેરે કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછું થશે. આ ઉપરાંત બિલ્ડિંગ ધારકો અને લોકોને એનઓસી મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા રહેશે. નવી ફાયર સેફ્ટી પોલિસીથી રાજ્યમાં મોટાપ્રમાણમાં ઊંચા મકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષ, શાળા-કોલેજ, હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમોને મેળવવાનું થતું ફાયર એન.ઓ.સી. તથા દર ૬ મહિને રિન્યુઅલ કરાવવાની સેવાઓ ઝડપી-વિના વિલંબે મળતી થશે. આવા મિલકત માલિકો-કબજેદારોને પોતાની પસંદગી મુજબના ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે.

મુખ્યમંત્રી રૃપાણીએ જણાવ્યું કે, 'લોકોની સેફ્ટી-સિક્યુરિટી અને ઈઝ ઓફ લીવિંગમાં પણ વૃદ્ધિ થાય તેવો અભિગમ આપણે અપનાવ્યો છે. લોકોને પોતાના કામો માટે કોઇ પરવાનગી-મંજૂરી લેવા કચેરીએ જવું જ પડે નહીં અને ઘરે બેઠા ઓનલાઇન કામ થાય તેવી લેસ હ્યુમન ઇન્ટરફેસ-ફેઇસ લેશ સેવાઓ વિકસાવતા જઇએ છીએ. જેના ભાગરૃપે ફાયર સેફ્ટી કોપ-ફાયર સેફ્ટી કોમ્પલાયન્સ પોર્ટલ વિકસાવવાનું નક્કી કરાયું છે. આ પોર્ટલ પર નવા ફાયર સેફ્ટી એનઓસી, રિન્યુઅલ, ઓનલાઇન પેમેન્ટ અને ફાયર સેફ્ટી ઓફિસરની માહિતી સહિતની વિગતો સરળતાથી ઓન ફિંગર ટિપ મળતી થશે. ઓનલાઇન ભરવાના ફોર્મ્સ, અરજી, પ્રમાણપત્રો બધું જ સામાન્ય વ્યક્તિને પણ સમજાય તેવું સરળીકરણ કર્યું છે. આવા જે પ્રમાણપત્રો સર્ટિફિકેટ મેળવવાના છે તેમાં નવા બિલ્ડિંગ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ૩ વર્ષ માટે માન્ય રહેશે. રિન્યુઅલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે. ફાયર સેફ્ટી ઓફિસરે દર ૬ મહિને આગ-સલામતીના ઉપાયોની આવા બિલ્ડિંગમાં જાતે તપાસ કરીને ફિલ્ડ વિઝિટ કર્યા બાદ યોગ્યતા પ્રમાણપત્ર સિસ્ટમમાં અપલોડ કરવું પડશે.

રાજ્ય સરકારે આ હેતુસર ફાયર સેફ્ટી નિષ્ણાંતો, ટાઉન પ્લાનર્સ એન્જિનિયર્સની સલાહ લઇને વિવિધ પ્રકારના બિલ્ડિંગ્સ માટે ફાયર સેફ્ટી ઓફિસર માટેના વ્યાપક ચેકલિસ્ટ વિકસાવી ૨૨૦ સ્ટાન્ડર્ડ ચેકલિસ્ટ બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.

 

ફાયર સેફ્ટી પોલિસી : હાઇલાઇટ્સ

: ફાયર સેફ્ટી એનઓસી રીન્યુઅલ-ઓનલાઇન પેમેન્ટ-ફાયર સેફ્ટી ઓફિસરોની ઉપલબ્ધતા અંદે પારદર્શી ત્વરિત ઓનલાઇન સિસ્ટમ પોર્ટલ વિકસાવાશે.

: ફાયર-ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે યુવા ખાનગી ઈજનેરોને અગ્નિશમન ક્ષેત્ર ફાયર સાયન્સના અભ્યાસ કરેલા યુવાનોને સ્વરોજગારીની તક મળશે.

: ફાયર સેફ્ટીની જરૃરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ઈમપેનલ્ડ કરી પ્રેક્ટિસની મંજૂરી અપાશે.

: ખાનગી અને તાલીમબદ્ધ યુવા ફાયર સેફ્ટી ઓફિસરની વિશાળ કેડર ઉભી થશે.

: ફાયર સેફ્ટી ઓફિસરે દર ૩ વર્ષે રિફ્રેશર કોર્ષ કરવો પડશે.

: બિલ્ડિંગ ડિઝાઇન-વિકાસની પરવાનગી વખતે જ ફાયર સેફ્ટી પ્લાન મંજૂર કરાવવો પડશે. બી.યુ. વખતે ફાયર સેફ્ટી પ્રમાણપત્ર લેવું પડશે.

: નવા બનેલા બિલ્ડિંગ્સ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ-એનઓસી ૩ વર્ષ માટે માન્ય રહેશે.

: રેગ્યુલરાઇઝેશન બિલ્ડિંગના કિસ્સામાં બે વર્ષની મુદ્દત માટે ફાયર એનઓસી માન્ય.

 

Tags :