ન્યુ કલોથ માર્કેટમાં 60, માણેકચોક માર્કેટમાં 4 પોઝિટિવ કેસ મળ્યા
- શહેરની માર્કેટોમાં સંક્રમણ શોધવા કવાયત
- લોકોની ભીડ એકઠી થતી હોય એવા સ્થળો ખાતે ટેસ્ટ કરવા ઉપર તંત્ર દ્વારા વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું
અમદાવાદ, તા.22 જુલાઇ, 2020, બુધવાર
મ્યુનિ.દ્વારા અનલોક-ટુમાં હવે શહેરમાં આવેલા વિવિધ માર્કેટોમાં કોરોના સંક્રમણ શોધવા કવાયત શરૂ કરવામાં આવી છે.શહેરની મધ્યમાં આવેલા ન્યુ કલોથ માર્કેટ,માણેકચોક સોના-ચાંદી બજાર ઉપરાંત ઘંટાકર્ણ માર્કેટ સહીતના માર્કેટોમાં હાથ ધરવામાં આવેલી કોરોના પોઝિટિવ કેસ શોધવા રેપીડ એન્ટિજન ટેસ્ટની શરૂ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ન્યુ કલોથ માર્કેટમાં 60 જેટલાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
મળતી માહીતી મુજબ,અનલોક-ટુમાં આપવામાં આવેલી વ્યાપક મુકિત બાદ શહેરના વિવિધ માર્કેટોમાં વ્યપાર-ધંધા ધમધમતા થયા છે.મ્યુનિ.દ્વારા ગત આઠ જુલાઈથી શરૂ કરવામાં આવેલી ઘનિષ્ઠ સર્વેલન્સની કાર્યવાહી દરમિયાન હવે શરૂ થયેલા માર્કેટોમાં પણ રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.ન્યુ કલોથ માર્કેટમાં તંત્ર દ્વારા 200 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે સામે 60 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
માણેકચોકમાં આવેલા સોના-ચાંદીના માર્કેટમાં ચાર પોઝિટિવ કેસ મળી આવ્યા છે.જે પૈકી એક સ્થાનિક વેપારી અને ત્રણ બહારના વેપારીના હોવાનું જાણવા મળે છે.સુગનોમલ માર્કેટમાં કુલ મળીને 138 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે સામે આઠ જેટલા પોઝિટિવ કેસ મળી આવ્યા છે.રાયપુર સોસાયટી તેમજ સફલ-ત્રણમાં 175 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી પાંચ પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
સારંગપુર દરવાજા બહાર આવેલા ઘંટાકર્ણ માર્કેટમાં 200 ઉપરાંત ટેસ્ટ કરવામાં આવ્યા હતા.મ્યુનિ.હસ્તકની સંસ્થાઓ પૈકી એએમટીએસમાં 1850 ટેસ્ટ કરાયા છે જે પૈકી સાત પોઝિટિવ અને બીઆરટીએસમાં 800 ટેસ્ટ કરાયા છે જે પૈકી ત્રણ પોઝિટિવ કેસ મળ્યા છે.અનલોક-ટુ દરમિયાન લોકોની ભીડ જયાં વધુ પ્રમાણમાં એકઠી થતી હોય એવા સ્થળો પર પહોંચી ઘનિષ્ઠ સર્વેલન્સમાં પોઝિટિવ કેસ શોધવા કવાયત શરૂ કરવામાં આવી છે.