Gujarat

અમદાવાદમાં કોરોનાના નવા 5303 કેસ, 10 સંક્રમિતનાં મોત

By GS Team
25 Jan 20222 mins read
This article was originally published on 25 Jan 2022
અમદાવાદમાં કોરોનાના નવા 5303 કેસ, 10 સંક્રમિતનાં મોત

24 કલાકમાં 942 કેસ વધ્યા

છ દિવસમાં 42,513 કેસ, 25 હજાર એકિટવ કેસ, એસ.વી.પી.માં170 દર્દી પૈકી 76 આઈસીયુ વોર્ડમાં દાખલ

અમદાવાદ : અમદાવાદમાં સોમવારે કોરોનાના 4361 કેસ અને છ દર્દીના મોત થયા હતા.24 કલાકમાં જ ફરી કોરોનાના 942 કેસ વધવાની સાથે નવા કેસની સંખ્યા 5303 અને મોતની સંખ્યા દસ ઉપર પહોંચતા કોરોના સંક્રમણને લઈને ફરી એક વખત લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરમાં છ દિવસમાં કોરોનાના 42,513 કેસ નોૅધાવાની સાથે 42 સંક્રમિત દર્દીના મોત થયા છે.એસ.વી.પી.હોસ્પિટલમા કોરોનાના 170 દર્દી પૈકી 76 દર્દી ઓકિસજન અને આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા.શહેરમાં હાલમાં કોરોનાના 50 હજાર એકિટવ કેસ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.

શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થશે એવી આશા 24 કલાકમાં જ ઠગારી સાબિત થઈ હતી.મંગળવારે શહેરમાં નવા કેસ વધવાની સાથે મોતની સંખ્યામાં વધારો થતા આ બાબત ચિંતાનો વિષય બનવા પામી છે.

20 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધીના અમદાવાદ શહેરમાં નોંધાયેલા નવા કેેસના આંકડા જોવામાં આવે તો એક માત્ર 24 જાન્યુઆરીએ 4361 કેસ નોંધાયા હતા.આ સિવાયના અન્ય દિવસોમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે.મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા 15 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.

આ પૈકી દક્ષિણ-પશ્ચિમ ઝોનના સાત, ઉત્તર-પશ્ચિમના ચાર અને પશ્ચિમ ઝોનના ત્રણ મળી પશ્ચિમમાં આવેલા ત્રણ ઝોનના 14 સ્થળ અને મધ્યઝોનના એક સ્થળનો સમાવેશ થતો હતો.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર વોર્ડ ઉપરાંત પ્રહલાદનગર,સાઉથ બોપલ અને સરખેજના સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.

મધ્ય ઝોનમાં શાહીબાગના એક સ્થળ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બોપલ,શિલજ તેમજ પશ્ચિમ ઝોનમાં મોટેરા,રાણીપ અને સાબરમતીના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરમાં188 સ્થળ એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ છે. મંગળવારે 15 થી 18 વય જુથના 2040 બાળકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

5413 લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ તથા 12178 લોકોને રસીનો બીજો ડોઝ આપવાની સાથે 6565 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવતા 24156 લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.શહેરના નદી પારમાં આવેલા જોધપુર ઉપરાંત બોપલ વોર્ડની સાથે બોડકદેવ વોર્ડમાં સતત વધી રહેલા કોરોનાના કેસ   તંત્ર માટે ચિંતાનો વિષય બનવા પામ્યા છે.