ટ્રેનમાં વડોદરાના જ્વેલર્સ સામે બ્લાઉઝ કાઢીને કિન્નરે ધમકી આપી
જ્વેલર્સ ઝાંસી-બાંદ્રા ટ્રેનમાં વડોદરાથી સુરત જતા હતા ત્યારે ભરૂચ નજીક ઘટના બની, કિન્નરોના આતંક સામે રેલવે પોલીસ અને આરપીએફ ચૂપ
વડોદરા, તા. 24 જૂન 2019, સોમવાર
ઝાંસી-બાંદ્રા ટ્રેનમાં વડોદરાથી સુરત જઇ રહેલા વડોદરાના જ્વેલર્સને આજે ટ્રેનમાં કિન્નરોની દાદાગીરીનો સામનો કરવો પડયો હતો. કિન્નરે માગેલા રૂપિયા નહી આપતા કિન્નરો દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને બાળકો, મહિલાઓની સામે જ કપડા ઉતારીને અર્ધનગ્ન થઇને મુસાફરોને પૈસા આપવા માટે મજબુર કર્યા હતા. ઉપરથી વડોદરાના જ્વેલર્સ સહિત અન્ય મુસાફરોને ધમકીઓ પણ આપી હતી.
વડોદરાના માંડવી નજીક શોરૂમ ધરાવતા ફારૃખભાઇ મેમણ આ ઘટના અંગે વાત કરતા કહ્યે છે કે 'હું અને મારા પત્ની સુરત જવાના હોવાથી આજે સવારે 11.30 વાગ્યે વડોદરા સ્ટેશન પરથી ઝાંસી-બાંદ્રા ટ્રેન પકડી હતી. ભરૂચ સ્ટેશનથી કેટલાક કિન્નરો અમારા ડબ્બામાં ચઢ્યા હતા અને દાપુ ઉઘરાવવા લાગ્યા હતા. તેમની માગણી રૂ.50ની હતી. મારી પાસે પણ આવ્યા હતા અને રૂ.50 માગ્યા હતા પરંતુ મે 20 રૂપિયા આપ્યા હતા એટલે તેમણે માથાકુટ શરૂ કરી હતી.
આ દરમિયાન અન્ય એક મુસાફરે 10 રૂપિયા આપતા કિન્નરોએ દાદાગીરી શરૂ કરી દીધી હતી અને તાળીઓ પાડીને બુમબરાડા પાડવા લાગ્યા હતા અને એક કિન્નર અમારી સામે જ બ્લાઉઝ ખોલીને અર્ધનગ્ન થઇ ગયો હતો તો બીજા કિન્નરે ઘાઘરો ઉંચો કરવાની ધમકી આપી હતી. બાળકો, મહિલાઓ અને વડિલો સાથે મુસાફરી કરી રહ્યા હતા એટલે લોકોએ કિન્નરોની દાદાગીરી સામે તાબે થઇને પૈસા આપી દીધા હતા.
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો સાથે દાદાગીરી કરીને પૈસા ઉઘરાવતા કિન્નરોનો ત્રાસ વધી રહ્યો છે. રેલવે પોલીસ અને આરપીએફ કિન્નરો સાથે ભાગીદારીમાં બિઝનેસ કરતા હોય તે રીતે કિન્નરો સામે કોઇ કાર્યવાહી કરતા નહી હોવાથી આ સમસ્યામાં વધારો થઇ રહ્યો હોવાના આક્ષેપો મુસાફરો કરી રહ્યા છે.
10 રૂપિયા આપનાર બે મુસાફરોને તો કિન્નરે લાફા ઝીંકી દીધા
ગાળાગાળી, ઝપાઝપી અને અર્ધનગ્ન કિન્નરને જોઇને મહિલા, બાળકો સહિતના મુસાફરો ડરી ગયા, રેલવે પોલીસ પાસેથી જવાબ મળ્યો કે આવું તો ચાલ્યા કરે...
ફારૃખભાઇએ ઘટનાનું વર્ણન કરતા કહ્યું હતું કે 'અમે જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. ભરૃચથી ટ્રેનમાં વગર ટિકીટે ઘુસેલા કિન્નરોએ ડબામાં ભારે આતંક મચાવ્યો હતો. કિન્નરો મુસાફરો પાસે વિનંતી કરીને નહી પરંતુ લુખ્ખી દાદાગીરી કરીને દાપુ માગી રહ્યા હતા. 50 રૂપિયાથી ઓછી રકમ આપે તો તેની સામે ગાળાગાળી અને ઝપાઝપી પણ કરતા હતા. કેટલાક મુસાફરો તેને તાબે થયા ન હતા પરંતુ કિન્નરો અહીથી જતા રહે તે હેતુથી 10 રૂપિયા આપ્યા હતા. આવા બે મુસાફરોને તો કિન્નરોએ લાફા ઝીંકી દીધા હતા. કિન્નરોથી બચાવનાર કોઇ નહી હોવાથી મુસાફરો આ આંતક સહન કરી રહ્યા હતા.
ડબ્બામાં કિન્નરો દ્વારા ગાળાગાળી, ઝપાઝપી અને નગ્ન પ્રદર્શનથી મહિલા અને બાળકો તો રીતસરના ગભરાઇ ગયા હતા. હું અને મારા પત્ની સુરત સ્ટેશન પર ઉતર્યા હતા અને મે સ્ટેશન પર રેલવે પોલીસ પાસે જઇને આ ઘટનાની જાણ કરી હતી.રેલવે પોલીસે કિન્નરો સામે પગલા લેવાના બદલે મને કહ્યું હતું કે આવુ તો ચાલ્યા કરે....
મનમાની રકમ પડાવવા માટે લગ્ન અને રિસેપ્શનમાં પણ કિન્નર ટોળીઓ ત્રાસ વર્તાવે છે
શુભ પ્રસંગમાં બિભત્સ અને બેહુદુ વર્તન કરીને વિઘ્ન ઉભુ કરે છે જેથી યજમાન તાબે થઇને રૂપિયા આપી દે
કિન્નરોના ત્રાસનો ભોગ લગભગ દરેક લોકો બન્યા હોય છે. ખાસ કરીને શુભ પ્રસંગોમાં પહોંચી જતી કિન્નર ટોળકીઓ એ હદે દાદાગીરી અને ત્રાસ વર્તાવે છે કે લોકો પૈસા આપવા માટે તાબે થઇ જાય છે.
લગ્ન અને રિસેપ્શન જેવા સમારંભોમાં કિન્નર ટોળીઓ રિક્ષામાં ત્રાટકે છે અને સમારંભમાં ઘુસીને બે હાથેથી મોટે મોટે તાબોટા પાડીને બુમબરાડા મચાવે છે જેથી લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાય અને પછી યજમાનને શોધીનો સીધો જ તોડપાડીનો ધંધો શરૂ થાય છે. લગ્ન અને રિસેપ્શન જેવા સમારંભોમાં તો રૂ.11,000 અને 21,000થી ઓછી રકમની માગણી થતી જ નથી અને જો યજમાન ના પાડે તો નગ્ન થવાની ધમકીથી લઇને મારામારી સુધી મામલો પહોંચી જાય છે એટલે પ્રસંગ બગડે નહી તેવા ઇરાદાથી યજમાન આખરે કિન્નરોના તાબે થઇને પૈસા આપી દેતા હોય છે.
ધાક-ધમકીથી પૈસા ઉઘરાવાત કિન્નરો સામે 'ખંડણી'નો ગુનો દાખલ કરો
કિન્નરોની દાદાગીરીના વધતા કિસ્સાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સામાજીક અગ્રણીઓએ આ સમસ્યા સામે લડવા માટે કડક પોલીસ એક્શનની માગ કરી છે. તેમનું કહેવું છે કે ધાક-ધમકીથી પૈસા ઉઘરાવતા કિન્નરો સામે 'ખંડણી'નો ગુનો દાખલ કરવો જોઇએ જેથી આવી અસામાજીક પ્રવૃતિ પર રોક આવે.