યુ ટયુબ પરની ન્યુઝ ચેનલના સંચાલકે યુવતી આર્ટીસ્ટ પાસે ખંડણી માંગી
ત્રણ કરોડ નહી આપે તો ન્યુઝ બતાવીશું તેમ કહી ખંડણી માંગી
નવરંગપુરામાં રહેતી યુવતીને ત્યાં અગાઉ ઇન્કમટેક્ષની કાર્યવાહી થઇ હતીઃ નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ,
રવિવાર
શહેરના નવરંગપુરા સીજી રોડ પર આવેલા એક બંગ્લોઝમાં રહેતી પેઇન્ટર યુવતીને ત્યાં ઇન્કમટેક્ષના દરોડાની કાર્યવાહીનું રિપોર્ટીંગ યુ ટયુબની ચેનલ પર દર્શાવીને યુવતીના પરિવારને બદનામ કરવાની ધમકી આપીને રૂપિયા ત્રણ લાખની ખંડણી માંગનાર કથિત પત્રકાર અને તેની સાથે કામ કરતી યુવતી વિરૂદ્વ નવરંગપુરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.શહેરના નવરંગપુરા સી જી રોડ પર સ્થિત એક બંગ્લોઝમાં રહેતી ૨૮ વર્ષીય પેઇન્ટર યુવતીના ઘરે ગત દિવાળી પહેલા ઇન્કમટેક્ષ વિભાગનો દરોડો પડયો હતો. જેમાં યુવતી અને અન્ય લોકોના નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાબતના અનુસંધાનમાં વિનય દુબે નામના વ્યક્તિએ યુવતીનો સંપર્ક કરીને પોતાની ઓળખ યુ ટયુબમાં ઝેડ પ્લસ ન્યુઝ નામની ચેનલના સંચાલક તરીકે આપી હતી. આ ઉપરાંત, તેની સાથે અર્પણ પાંડે નામની વ્યક્તિ પણ સંકળાયેલી હતી. જેમાં વિનય દુબેએ યુવતીને ધમકી આપી હતી કે જો તે અઢી થી ત્રણ કરોડ રૂપિયા નહી આપે તો વિનય દુબે તેના સમાચાર તેની ચેનલમાં પ્રસારિત કરીને બદનામ કરી દેશે. જો કે યુવતીએ કોઇ મચક ન આપતા ગત ૨૪મી એપ્રિલના રોજ વિનય દુબે અને અર્પણ પાંડે યુવતીના ઘરે ગયા હતા અને ફરીથી નાણાંની માંગણી કરીને ધમકી આપી હતી કે અર્પણ પાંડે ખુન કેસમાંથી છુેટેલો છે અને તે ખોટા કેસમાં ફસાવી દેશે. છેવટે આ અંગે નવરંગપુરા પોલીસ મથકે અરજી કરવામાં આવતા પોલીસે પુરાવાને આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.