નર્મદા સબમાઇનોર કેનાલની સફાઈ ન થતા છલકાઈ : ખેતરોમાં જળબંબાકાર
- ઠાસરાના રાણીપોરડાથી ગોળજ ગામ તરફ જતી
- કેનાલનું પાણી ખેતરોમાં ભરતા રવી પાકને નુકસાન
નડિયાદ, તા.6 જાન્યુઆરી 2021, બુધવાર
ઠાસરા તાલુકાના રાણીપોરડાથી નીકળી ગોળજ ગામ તરફ જતી નર્મદા સબ માઈનોર કેનાલ સાફસફાઈના અભાવે ઊભરાઈ ગઈ છે. કેનાલ પાસે આવેલા ગામોમાં પાણી ફરી વળતાં ખેતરોના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતી ખેડૂતોમાં વ્યાપી ગઈ છે. તંત્ર દ્વારા મદદનું કોઈ ચિહન ન દેખાતા ખેડૂતોએ પોતે કેનાલની સાફસફાઈમાં લાગવું પડયું છે.
નર્મદા મુખ્ય કેનાલમાંથી રાણી પોરડાથી ગોળજગામ સુધી આઠ કિલોમીટરમાં વિસ્તરેલી સબ-માઈનોરની બન્ને તરફ બારસો જેટલાં ખેતરો આવેલાં છે. છેલ્લા દિવસોમાં કેનાલમાંથી પાણી વધારે છોડવામાં આવ્યું હતું. પાણી ઓવરફ્લો થતું હોવાથી સબમાઈનર કેનાલની પાળ ઉપરથી વહીને પાણી ખેતરોમાં પેસી ગયાં છે. આ વિસ્તારમાં હજારો એકર જમીનમાં અત્યારે શિયાળુ પાક વવાયેલો છે. અત્યારે અનેક ખેતરોનાં ઊભાં પાકમાં કેનાલમાંથી ધસી આવેલાં પાણી ભરાઈ ગયાં છે.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ માઈનર કેનાલ બનાવ્યા પછી સત્તા દ્વારા એક પણ વખત એમાં સાફસફાઈ કરવામાં આવી નથી. સફાઈ ન હોવાને કારણે કેનાલમાં ઘણી જગ્યાએ ભરાવો થઈ ગયો છે. ચોથીયાની મુવાડી ગામ પાસે આવી કુંડી ભરાઈ જવાને લીધે સબ માઈનરનું પાણી કેનાલની પાળ ઉપરથી વહીને ખેતરોમાં ધસી આવ્યું હતું.
ભરથરી ગામના ખેડૂત કાંતિભાઈ પટેલની ૪ વીઘા જમીનમાં ઘઉંના ઊભા પાકમાં પાણી ભરાયેલાં જોવાં મળે છે. ખેડૂતો દ્વારા મશીનો મૂકી પાણી ઉલેચવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ બાબત વિશે રાણીમોરડા ગોરજના નાયબ કાર્યકારી ઈજનેરઅજય બારૈયાના જણાવ્યા પ્રમાણે સબ માઈનરમાંથી પાણી ઊભરાઈને ખેતરોમાં જતું રહે તો તેમાં તેમની કોઈ જવાબદારી નથી. અત્યારે ખેડૂતો પોતે સબ માઈનર કેનાલમાંથી કચરો કાઢવાનાં અને સાફસફાઈનાં કામમાં લાગેલા છે.