શહેરમાં નાગા બાવાની ગેંગ ફરી સક્રિય બેન્કના નિવૃત્ત કેશિયરને આશીર્વાદ આપવાના બહાને બોલાવી ચેન તોડી ફરાર
હમકો વાઘોડિયા રોડ હી જાના હૈ, તુમ નજદીક આો, મેં તુમ્હે આશીર્વાદ દેતા હું
વડોદરા,તા,14,ફેબ્રુઆરી,2020,શુક્રવાર
તરસાલી - સોમા તલાવ રીંગરોડ પર બસની રાહ જોઇને ઉભેલા નિવૃત્ત બેન્ક કેશીયરને આશીર્વાદ આપવાના બહાને નજીક બોલાવી કારમાં નાગાબાવાના સ્વાંગમાં બઠેલો ગઠિયો સોનાની ચેઇન તોડીને કાર લઇને ભાગી ગયો હતો. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરમાં નાગાબાવાના સ્વાંગમાં આવતી ઠગ ટોળકી ફરીથી સક્રિય થઇ છે. તરસાલી મારૃતિધામ સોસાયટીમાં રહેતા નિવૃત્ત બેન્ક કેશિયર રાજેન્દ્ર અભિમન્યુભાઇ મહાલે ગત તા.૧૩મી પત્ની સુરેખાબેન સાથે બપોરે અઢી વાગ્યે કારેલીબાગ લગ્નપ્રસંગમાં જવા માટે તરસાલી સોમાતલાવ રીંગરોડ પર બસની રાહ જોઇને ઉભા હતાં.
તે દરમિયાન એક સફેદ કલરની મારૃતિ કાર આવી હતી. કારમાં ડ્રાઇવર સીટ પર ૩૦ વર્ષનો યુવક બેઠો હતો. બાજુની સીટ પર એક ઠગ નાગાબાવાના સ્વાંગમાં બેઠો હતો. નાગાબાવાએ રાજેન્દ્ર મહાલેને પૂછ્યું હતું કે ઇધર આશ્રમ હૈ? રાજેન્દ્ર મહાલેએ જવાબ આપ્યો હતો કે અહીંયા આશ્રમ નથી વાઘોડિયા રોડ પર છે. બાવાએ હિન્દીમાં કહ્યું હતું કે, હમકો વાઘોડિયા રોડ હી જાના હૈ. તુમ નજદીક આઓ મેં તુમ્હે આશીર્વાદ દેતા હું. ત્યારબાદ નાગાબાવાના કહેવાથી નિવૃત્ત બેન્ક કેશીયર સીંગારેટ લઇને નાગાબાવાને આપવા નજીક ગયા હતાં.
નાગાબાવાએ આશીર્વાદ આપવાના બહાને રાજેન્દ્ર મહાલેને નજીક બોલાવી માથા પર હાથફેરવી તેમના ગળામાંથી સોનાની ચેઇન દોઢ તોલા વજનની તોડી લીધી હતી. અને ડ્રાઇવરે કાર સોમાતળાવ તરફ ભગાડી દીધી હતી. જે અંગે રાજેન્દ્ર મહાલેએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે.