મગફળી સહિતનાં ખેત ઉત્પાદકોની ટેકાના ભાવથી નાફેડ ખરીદી કરશે
- આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું
- નાફેડના એમડી સાથે મુખ્ય સચિવ સહિતના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા
અમદાવાદ, તા,19 નવેમ્બર 2018, સોમવાર
નાફેડ દ્વારા કૃષિ મંત્રાલયને બે પાનાનો પત્ર લખીને સ્પષ્ટ કર્યું હતું કે ૨૦૧૮-૧૯માં નાફેડ ગુજરાતમાંથી મગ, અડદ, તુવેર કે મગફળીની ખરીદી કરશે નહીં.
આ પત્ર બાદ તુરંત જ દિલ્હીથી નાફેડના મેનેજીંગ ડિરેકટર સંજીવ ચઢા ગુજરાતમાં આવી ગયા હતા. તેઓ મુખ્ય સચિવ જે.એન. સિંહ તથા અન્ય ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બાદમાં મુખ્ય સચિવ દ્વારા 'ઘીના ઠામમાં ઘી પડી ગયા'ની જાહેરાત કરી હતી !!
આ મીટીંગ બાદ મુખ્ય સચિવે જણાવ્યું હતું કે નાફેડે ક્યારેય પણ મગફળી સહિતની ખેત પેદાશોની ખરીદી નહી કરવાનું કહ્યું નહોતું. હવે સરકાર અને નાફેડ વચ્ચે એક એમઓયુ પણ કરાયું છે. આ વખતે મગફળીની ખરીદીમાં ખુબજ સ્ટ્રોંગ વ્યવસ્થા ગોઠવી છે. કોઇ પ્રકારની ગરબડ થઇ શકશે નહીં. હાલમાં ગોડાઉનોમાં જે મગફળીનો જથ્થો પડયો છે તેને વેચવા માટે બજારમાં લાવવામાં નહીં આવે.
તેઓએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર વતી નાફેડ રાજ્ય સરકાર સાથે મળીને ટેકાનાં ભાવથી ખરીદી કરવાનું ચાલુ જ રાખશે. કોઇ પ્રકારની મુશ્કેલી કે સમસ્યા નથી. કોઇ પ્રકારનાં અવિશ્વાસની વાત નથી. નાફેડ ગુજરાતમાંથી મગફળીની અન્ય ખેત પેદાશોની ખરીદી કરશે નહીં એવા લખાયેલો પત્ર પણ રાજકીય જ છે. ગત વખતે ખરીદીમાં જે કંઇ થયું હતું તેવું આ વખતે કશું જ નહીં થાય.