મારો દીકરો રાજપૂત છે, દશ જગ્યાએ જશે, તમને ફાવે તો રહો
પતિ, સાસુ, સસરા અને નણંદ સામે પરિણીતાની ફરિયાદ
પત્નીએ પતિના લગ્નેતર સંબંધનું કહેતા સાસુ - સસરાનો જવાબ
વડોદરા,લગ્ન પછી પણ અન્ય યુવતી સાથે સંબંધ રાખી દહેજની માંગણી કરી પત્ની પર ત્રાસ ગુજારતા પતિ તથા સાસુ, સસરા અને નણંદ સામે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જી.એસ.એફ.સી.માં નોકરી કરતી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા માતા - પિતા રાજપૂત વિવાહના મેટ્રિમોનિયલ વોટ્સએપ ગૃપ દ્વારા મારા લગ્ન માટે છોકરો જોતા હતા. તે દરમિાયન નિર્મલસિંહ સાથે વાત ચાલી હતી. મારા લગ્ન વર્ષ - ૨૦૧૫ માં નિર્મલસિંહ મહાવીરસિંહ ઝાલા ( રહે. ટાટા નગર, મેઘાણીનગર, અમદાવાદ) સાથે થયા હતા. લગ્ન પછી અમે ગોવા ફરવા ગયા હતા. મારા પતિના મોબાઇલ પર સતત એક યુવતીના કોલ અને મેસેજ આવતા હતા. મેં મારા પતિને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ મારી પર્સનલ મેટર છે. આમાં તારે ઇન્ટરફિયર થવું નહીં. મને શંકા જતા મેં મોબાઇલ ચેક કરતા અન્ય મહિલાના ફોટા અને મેસેજ પતિના મોબાઇલમાં મળી આવ્યા હતા. મેં મારા પતિને સમજાવ્યા હતા કે, આપણા લગ્ન થઇ ગયા છે. હવે આ બધું ભૂલી જાવ. ગોવાથી પરત આવ્યા પછી મારા પતિએ આઇ.આઇ.એમ. ઇન્સ્ટિટયૂટમાં નોકરી શરૃ કરી હતી. ત્યારબાદ કોરોના કાળ આવતા અમે અમારા મૂળ સાસરીમાં સુરેન્દ્રનગ જિલ્લાના લીંબડી તાલુકાના રોજાસર ગામે ગયા હતા. મારા સાસુ તથા નણંદ મને એવું કહેતા હતા કે, તમે બહુ જાડા છો. તમારા કરતા નિર્મલ પાતળો લાગે છે. તેઓ અવાર - નવાર દહેજની માંગણી કરીને ત્રાસ ગુજારતા હતા.
ત્યારબાદ મારી નોકરી શરૃ થતા વડોદરા આવી ગઇ હતી. મારા પતિ ક્યારેય મને મળવા વડોદરા આવતા નહતા. હું જ રજાના દિવસે તેઓને મળવા અમદાવાદ જતી હતી. ગત તા. ૦૮ - ૧૨- ૨૦૨૦ ના રોજ મેરેજ એનિવર્સરીના દિવસે મારા પતિ મને મળવા વડોદરા આવ્યા હતા. તે સમયે પણ તેમના મોબાઇલ પર અન્ય મહિલાના કોલ અને મેસેજ આવતા અમારા વચ્ચે ઝઘડો થયો હતો.
આ અંગે મેં મારા સાસુ, સસરા તથા નણંદને કહેતા તેઓએ એવો જવાબ આપ્યો હતો કે, મારો દીકરો રાજપૂત છે. દશ જગ્યાએ જશે.તમને ફાવે તો રહો.