યુનિ.ના હંગામી કર્મચારીઓએ દેખાવો કરીને વીજળીક હડતાળ પાડતા દોડધામ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ૮૦૦ જેટલા હંગામી કર્મચારીઓના પગારમાં  માત્ર ૧૫ ટકાના વધારો કરવાના કમિટિના  પ્રસ્તાવ સામે વિરોધ કરવા માટે આજે હંગામી કર્મચારીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો કર્યા હતા.

નજીવા પગાર વધારા સામે રોષે ભરાયેલા કર્મચારીઓ કામ પડતુ મુકીને વીજળીક હડતાળ પર ઉતરી જતા યુનિવર્સિટીના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ,નેક કમિટિ આવે તે પહેલા કર્મચારીઓની હડતાળ સમેટાઈ જાય તે માટે સત્તાધીશોએ મોટા મોટા દાવા કર્યા હતા  પણ હવે કમિટિએ ૨૦૧૭ના સરકારના ઠરાવનો અમલ કરીને પગાર વધારો કરવાની જગ્યાએ માત્ર ૧૫ ટકાનો પગાર વધારો આપવાનુ નક્કી કર્યુ છે અને આ બાબતે અમે રજૂઆત કરવા માંગીએ છે.કર્મચારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની લાગણી થઈ રહી છે.

એ પછી કમિટિના સભ્યો આ કર્મચારીઓને મળ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે, સોમવારે પગાર વધારા માટેની કમિટિ મળશે અને આ નિર્ણય પર ફરી વિચારણા કરવામાં આવશે.એ પછી કર્મચારીઓએ હડતાળ સમેટી હતી.

કર્મચારીઓનુ કહેવુ હતુ કે, ઓગસ્ટ મહિનામાં અમે હડતાળ પાડી ત્યારે  સત્તાધીશોએ ૨૦૧૭ના સરકારના ઠરાવનો અમલ કરવાની ખાતરી આપી હતી.જે અનુસાર પ્યૂનને ૧૬૨૪૪ રુપિયા, ક્લાર્કને ૧૯૩૦૦ રુપિયા અને ટેકનિકલ કર્મચારીઓને ૩૧૩૦૦ રુપિયા પગાર ચુકવવાનો હોય છે.

દરમિયાન યુનિવર્સિટીના પીઆરઓએ કર્મચારીઓને જણાવ્યુ હતુ કે, પગાર વધારા અંગે કોઈ અંતિમ  નિર્ણય યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા લેવાયો નથી.

City News

Sports

RECENT NEWS