'ઇન્દ્રાયણ ફળમાંથી બનતી દવા હાથમાં લગાવતા લોહી સાથે ભળીને સુગરનું પ્રમાણ ઓછુ કરશે'
એમ.એસ.યુનિ.ની ફાર્મા ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ડાયાબિટિસ માટે દવા બનાવશે
ઈન્દ્રાયણ ફળ એટલુ કડવું હોય છે કે જો ખવાઈ જાય તો લીવર ખરાબ થઈ જાય છે
વડોદરા, તા. 6 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
ડાયાબિટિસનું પ્રમાણે ભારતીય લોકોમાં ખૂબ વધી રહ્યું છે, દર ૧૧માંથી એક વ્યક્તિ ડાયાબિટિસનો ભોગ બનેલી હોય છે. તેની દવા પણ મોંઘી આવે છે જેથી અમે એવી દવા બનાવવા માંગીએ છીએ જે સસ્તી અને કોઈપણ આડઅસર વગર ડાયાબિટિસને નિયંત્રણમાં રાખી શકે. જેથી અમે ઈન્દ્રાયણ ફળનો પ્રયોગ કર્યો છે, કારણકે આ ફળમાં એન્ટિ ડાયાબિટિક ગુણ છે,તેમ એમ.એસ.યુનિ.ની ફાર્મા ફેકલ્ટીની વિદ્યાર્થિની સૌમ્યા નંદાનું કહેવું છે.
એમ.એસ.યુનિ.ની ઓફિસ ઓફ કરિઅર એડવાન્સમેન્ટ ફોર સ્ટૂડન્ટના સેન્ટર ફોર સ્ટાર્ટઅપ અને ઈનોવેશન વિભાગ દ્વારા બીજીવાર આઈડિયાથોનનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ શાળા, કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ૪૯ પ્રોજેક્ટ રજૂ કરાયા હતા. ડાયાબિટિસને નિયંત્રણ માટેની દવાનો પ્રોજેક્ટ સૌમ્યા નંદા અને અમિત શ્રીવાસ્તવે રજૂ કર્યો હતો. સૌમ્યાએ કહ્યું કે, હું પણ ડાયાબિટિસની દર્દી છું, નાનપણમાં ઘણાં વર્ષો પહેલા મારા એક સંબંધીએ કહ્યું કે, ઈન્દ્રાયણના ફળને પગથી થોડીવાર ઘસવાનું અને એક-બે કલાક માટે રાખવાનું. આ પ્રયોગ કરતા શરીરમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં આવ્યું હતું.
હવે આ જ ફળનો ઉપયોગ કરીને અમે દવા બનાવવા માંગીએ છીએ. તરબૂચના નાના સ્વરુપ જેવું આ ફળ હોય છે જે ઘાસમાં ઊગે છે, અમદાવાદના રીંગરોડના ઘાસમાં આ જોવા મળે છે જે જંગલી ફળ છે. સ્વાદમાં અત્યંત કડવું આ ફળ જો ભૂલથી પણ ખવાય જાય તો લીવર ખરાબ થઈ જાય છે. માટે અમે જેમ સેનિટાઈઝર હાથમાં લગાવીએ તેવી જ રીતે હાથમાં લગાવાના લિક્વીડ રુપે બનાવીશું, જે હાથમાં લગાવતા જ લોહી સાથે ભળી જઈને ઈન્સ્યુલિન જેવું કામ કરે છે.
આ દવા ઉપર અમે છેલ્લા દોઢ વર્ષથી કામ કરી રહ્યા છે.ઈન્દ્રાયણ ફળ હાથમાં ઘસતા ખૂબ જ ફીણ બને છે, સૂકાય જાય પછી સફેદ ફેવિકોલ જેવું લાગે છે પરંતુ તેને ત્રણ-ચાર કલાક રાખ્યા પછી ધોવું જોઈએ. હવે અમે આ દવાને આયુર્વેદ સાથે જોડી પ્રાણી ઉપર પ્રયોગ કરીશું ત્યારબાદ દવા બનાવીશું. પ્રાણી પર પ્રયોગ પછી જ ખબર પડી શકે આ લિક્વીડની ડાયાબિટિસના દર્દી પર કેટલી અસર થાય છે અને આ સિવાય બીજી કોઈ દવા લેવાની જરુર પડશે કે નહીં. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટને બીજો નંબર મળ્યો છે.
દિવ્યાંગ લોકો માટે અનોખા શૂઝ
ટ્રી હાઉસ હાઈસ્કૂલમાં ધો.૯માં ભણતા વિદ્યાર્થી રિયેન પટેલ અને અમન પઠાણે દિવ્યાંગ (બ્લાઈન્ડ) લોકો માટે શૂઝનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે દિવ્યાંગ આ શૂઝને પહેરેશે એટલે વ્યક્તિની આસપાસ બે મીટર સુધી કોઈ વસ્તુ, વાહન કે કોઈ પ્રાણી હશે તો શૂઝમાં રહેલું સેન્સર તેને એલર્ટ કરશે. અકસ્માત અટકાવવા માટે આ શૂઝનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે જેને પ્રથમ ઈનામ મળ્યું હતું. ઉપરાંત અંબે સ્કૂલના ઉજસ શાળાના વિદ્યાર્થી ઉજસ શાહે પ્રસ્તુત કરેલા સોલાર એનર્જીના પ્રોજેક્ટને બીજું ઈનામ મળ્યું હતું.
બિનજરુરી ઘાસને દૂર કરવા માટેનો સ્પ્રે
પારુલ યુનિ.ના એપ્લાઈડ સાયન્સમાં અભ્યાસ કરતા મૂળ ગીરના વિદ્યાર્થી રાજકુમાર અઘેરાએ બીનજરુરી ઘાસને દૂર કરવાનો સ્પ્રે બનાવ્યો હતો જેને ત્રીજો નંબર મળ્યો હતો. રાજે કહ્યું કે, પાક સાથે જે બીનજરુરી ઘાસ ઊગે તેને કાપીને સૂકવ્યા બાદ તેની રાખ બનાવી હતી બાદમાં મલાઈ વગરના દૂધ સાથે ભેળવી ૭૨ કલાક સુધી રાખ્યુ હતુ. બાદમાં તેને પાણીમાં ભેળવીને બીનજરુરી ઘાસમાં છાંટતા બળી જાય છે. આ પ્રયોગ મારા પપ્પા ખેડૂત હોવાથી અમારા ખેતરમાં કરે છે.