સ્કિઝોફ્રેનિયાની દવા પર વિદ્યાર્થિનીનું રિસર્ચ વર્ક
સોલિડ પાવડરની અસરકારકતા બજારમાં મળતી દવા કરતા ત્રણ ગણી વધી ગઈ
ઉંદર પર પ્રયોગ કર્યોઃ વિદ્યાર્થિનીના રિસર્ચને બેસ્ટ પીએચડી થિસિસ એવોર્ડ
વડોદરા, તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ બજારમાં મળતી દવા જ્યારે લે છે ત્યારે તે દવાના ફક્ત ૧૫થી ૩૦ ટકા જ દવા લોહીમાં પહોંચે છે બાકીની દવા યુરિન માર્ગે નીકળી જાય છે એટલે શરીરમાં દવાની જેટલી અસર થવી જોઈએ તે થતી નથી. જ્યારે મેં રિસર્ચ દરમિયાન જે સોલિડ પાવડર બનાવ્યો તેની પાણીમાં મિક્સ થવાની ક્ષમતા વધુ છે અને શરીરમાંથી યુરિન મારફતે નીકળી જતી નથી. અને લોહીમાં પહોંચતા તેની અસરકારકતા બેથી ત્રણ ગણી બજારમાં મળતી દવા કરતા વધી જાય છે, એમ આ પ્રકારનો પ્રથમ પ્રયોગ કરનાર એમ.એસ.યુનિ.ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની કીંજલ પરીખનું કહેવું છે.
એમ.એસ.યુનિ.ની ફાર્મસી ફેકલ્ટીના ફાર્માસ્યુટીક્સ વિભાગમાં 'ડેવલોપમેન્ટ એન્ડ કેરેક્ટરાઈઝેશન ઓફ લીપીડ બેઝ્ડ નેનો ડ્રગ ડિલિવરી સિસ્ટમ ફોર સમ પુઅરલી બાયોેઅવેલેબલ ડ્રગ' વિષય પર વિદ્યાર્થિની કીંજલ પરીખે વર્ષ ૨૦૧૪-૧૯માં પ્રો.કૃતિકા સાવંતના માર્ગદર્શન હેઠળ રિસર્ચ કર્યું હતું. કીંજલે કહ્યું કે, સોલિડ પાવડરનું ઓપ્ટીમાઈઝેશન ફોર્મ્યુલેશન ક્વોલિટી બાય ડિઝાઈન અને આર્ટીફિશિયલ ન્યુરલ નેટવર્ક આ બંને પધ્ધતિથી કર્યું હતું. ત્યારબાદ આ ઓપ્ટીમાઈઝેશન ફોર્મ્યુલેશનને ઈન્સ્ટિટયુશનલ એનિમલ એથિક્સ કમિટિમાંથી પ્રોટોકોલ પાસ કરાવીને પ્રિ-ક્લિનિકલ સ્ટડી નાના અને મોટા ઉંદર પર કર્યું હતું. આ પ્રયોગમાં મેં ઉંદરને પ્યોર ડ્રગ સસ્પેન્શન (માર્કેટમાં મળતી દવા) અને નોવેલ ફોર્મ્યુલેશન (રિસર્ચ દરમિયાન બનાવેલ) બંને એક કિલોગ્રામે ૧.૦૨૭ મિલિગ્રામ આપી હતી. ત્યારબાદ ઉંદરમાંથી બ્લડ સેમ્પલ લઈને પ્લાઝમા છૂટુ પાડયું હતુ. જેમાં જાણવા મળ્યું કે, પ્યોર ડ્રગ સસ્પેન્શન એક મિલિગ્રામે ફક્ત ૧૨૦ નેનોગ્રામ જ્યારે નોવેલ ફોર્મ્યુલેશનમાં ૩૪૨ નેનોગ્રામ જોવા મળ્યું.
અમદાવાદમાં રિસર્ચ ક્ષેત્રે જ આગળ કામ કરી રહેલી કીંજલ પરીખને ૩૪મી ગુજરાત સાયન્સ કોંગ્રેસમાં ફાર્માસ્યુટીકલ ક્ષેત્રમાં બેસ્ટ પીએચ.ડી થીસીસનો એવોર્ડ તા.૯ ફેબુ્રના રોજ મળેલો છે. આ માટે ૧૯મી જાન્યુઆરીના રોજ ગુજરાત યુનિ.માં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી અનેક પીએચ.ડી થિસિસ આવેલા હતા.