અમદાવાદ,તા.4 નવેમ્બર 2019, સોમવાર
ગુજરાતમાં અકસ્માતના કિસ્સામાં પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગત તા.૬ ઓક્ટોબર ૨૦૧૭થી જેના એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ઉપર અત્યાર સુધીમાં રાજ્યમાંથી ૧.૭૨ લાખથી વધુ ઇમરજન્સી કોલ આવ્યા છે. જેમાંથી ૧.૧૦ લાખ પશુ-પક્ષીઓને સારવાર અપાઇ છે. જેમાં સૌથી વધુ રોડ પર ડોગને થયેલા અકસ્માત અંગેના કોલ આવ્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ ૬૭,૪૬૮ ડોગની સારવાર ઇમરજન્સી કોલના આધારે કરવામા ંઆવી છે.
આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ રોડ પર તેમજ હાઇવે પર મહત્તમ શ્વાનને અકસ્માત નડતા હોવાના કિસ્સા વધુ બનતા હોય છે. અકસ્માતના કિસ્સામાં વાહનની અડફેટે આવેલ શ્વાન જીવનમરણ વચ્ચે ઝોલા ખાતું હોય તે સમયે લોકો દ્વારા કોલ કરવામાં આવ્યા હોય અને શ્વાનને સારવાર અપાઇ હોય તેવા ૬૭ હજારથી વધુ કેસ છે.
ગઇકાલે રવિવારે અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં મહાવીર સોસાયટી પાસે વાહનની ટક્કરે એક શ્વાનને ગંભીર ઇજા થઇ હતી. સ્થાનિક રહીશ દ્વારા કોલ આવતા ડૉક્ટરોની ટીમ સ્થળ પર મોકલાઇ હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ શ્વાનને ૩ કલાકના ઓપરેશન બાદ બચાવાયું હતું.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણા હેલ્પ લાઇન પર અત્યાર સુધીમાં૧.૭૨ લાખથી પણ વધુ કોલ આવ્યા છે. જેમાં સૌથી વધુ કોલ ડોગને લગતા છે. ત્યાર બાદ ગાયને લગતા કોલની સંખ્યા ૪૧ હજાર છે. બિલાડીને લગતા ૯,૧૫૯, વાંદરાને લગતા ૪૫૫, ગધેડાને લગતા ૧,૦૯૮ ઇમરજન્સી કોલ આવ્યા છે. વાઇન્ડ એનિમલને લગતા ૬૩ કોલ આવ્યા છે. જેમાં સારવાર અપાઇ છે.


