- ખેડા અને આણંદ જિલ્લામાં દેવ દિવાળી, કારતક સુદ પૂનમ અને ગુરૂ નાનક જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી
- નડિયાદના સંતરામ મંદિરમાં 1,11,000 દિવડા પ્રગટાવામાં આવ્યાં : ડાકોરમાં સવા લાખના મુગટના શણગારના પાંચ લાખ ભક્તોએ દર્શન કર્યા : વડતાલ સહિતના યાત્રાધામોમાં લોક મેળાનો માહોલ જામ્યો
નડિયાદ : ખેડા જિલ્લામાં આજે દેવદિવાળીના પાવન પર્વની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી. યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડને સવા લાખનો રત્નજડિત મુગટ પહેરાવવામાં આવ્યો હતો. જેના દર્શન કવા ગુજરાતભરમાંથી લાખો ભક્તો ઉમટી પડયા હતા. જ્યારે નડિયાદ ખાતે આવેલા સંતરામ મંદિરમાં સંધ્યાકાળના સમયે મંદિરને હજારો દીવડાઓથી પ્રકાશિત કરવામાં આવ્યુ હતું. ફાગવેલમાં આવેલ વીર ભાથીજી મહારાજ તથા વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં આજે શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટયું હતું. આ ઉપરાંત જિલ્લાના નાના મોટા મંદિરોમાં પણ ભક્તોનો પ્રવાહ દર્શનાર્થે વહેલી સવારથી જ અવિરત રહ્યો હતો.આજે દેવ દિવાળી સહિત કારતક પૂનમ અને ગુરુનાનક જયંતિ પણ હોવાથી તહેવારોનો ત્રીવેણી સંગમ થતા જિલ્લામાં વાતાવરણ ભક્તિમય બન્યુ હતુ.ગત્ વર્ષે કોરોનાના કારણે દેવદિવાળી પર્વ શુષ્કતાથી ઉજવાયું હતું. પરંતુ આ વર્ષે જાણે કોરોનાને માત આપી ભક્તો શ્રીજીમય બન્યા હતા.
દિવાળી બાદ કારતક સુદ પૂર્ણિમાએ ઉજવાતા દેવદિવાળીના પર્વનો અનેરો મહિમા છે. આજે સવારથી જ જિલ્લાના વિવિધ મંદિરોમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડયા હતા.યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડના દર્શનાર્થે આવેલ શ્રધ્ધાળુઓ પૂર્વરાત્રીથી જ મંદિરના માર્ગો પર ગોઠવાઈ ગયા હતા. પરોઢિયે સાડા ચારના સુમારે મંગળા આરતી થતા જ ભક્તોએ શ્રીજીના દર્શન માટે મંદિરમાં દોટ મૂકી હતી અને શ્રીજીના દર્શન કરી કૃતજ્ઞા થયા હતા. સવારે સ્નાનવિધિ પૂર્ણ થતા શ્રીજીને સુંદર આભૂષણોની સાથે સવા લાખનો રત્નજડીત મુગટ પહેરાવવામાં આવ્યો ત્યારે આ અલૌકિક દર્શનની ઝાંખી કરવા ભકતોનું ઘોડાપૂર મંદિરમાં ઉમટી પડયું હતું. આ પ્રસંગે જયરણછોડ... માખણચોરના જયજયકારથી મંદિર પરિસર ગૂંજી ઉઠયું હતું. મંદિરમાં સવારથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ રાત્રે દર્શન બંધ થતા સુધી અવિરત રહ્યો હતો. છેલ્લા બે દિવસમાં અંદાજે પાંચ લાખથી વધુ ભક્તો ડાકોરમાં દર્શનાર્થે ઉમટી પડયા હતા. નડિયાદમાં સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં દર વર્ષની પરંપરાનુસાર દેવદિવાળીનું પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયું હતું. સંધ્યાકાળે અંધારાના ઓળા ઉતરતા જ મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. મંદિરના સ્વયંસેવકો દ્ધારા સાંજે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. ૧,૧૧,૦૦૦ દીવડાઓની રોશનીથી મંંદિર ઝળહળી ઉઠયું હતું. આ પ્રસંગે મંદિર પરિસર જય મહારાજના જયઘોષથી ગૂંજી ઉઠયું હતું. મંદિરના ટેરેસ ઉપર સુંદર આતશબાજી જોવા સ્થાનિકો તેમજ આસપાસના ગામોમાંથી આવેલ શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.
સ્વામિનારાયણના તીર્થસ્થાન વડતાલમાં પણ આજે ભગવાન લક્ષ્મીનારાયણને પણ દેવોની દિવાળી નિમિત્તે સુંદર આભૂષણો સાથે શણગાર સજવામાં આવ્યા હતા.
જેમના દર્શનનો લ્હાવો લેવા ગુજરાત અને દેશના અનેક સ્થળોએથી હરિભક્તો મોટી સંખ્યામાં વડતાલ ખાતે ઉમટી પડયા હતા. દેવદિવાળી નિમિત્તે આજે કઠલાલ તાલુકાના ફાગવેલમાં પણ માનવ મહેરામણ ઉમટયો હતો. જિલ્લાના અન્ય યાત્રાધામોમાં લોકમેળાનો માહોલ જામ્યો હતો. જિલ્લાના મહુધા, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, ખેડા, માતર તથા ઠાસરા અને સેવાલિયા વગેરે જેવા સ્થળોએ પણ મંદિરોમાં દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટયો હતો. આજે દેવદિવાળીના પર્વ સાથે દિવાળીના મહાપર્વનું સમાપન થયું હતું.
આ સાથે જિલ્લામાં ગુરુનાનક જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરાઇ હતી. જિલ્લાના દરેક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોની ભીડ જોવા મળી હતી.શીખ સંપ્રદાયના સૌપ્રથમ ગુરૂ ગુરૂનાનક સાહેબની શનીવારના રોજ ૫૫૨મી જન્મજયંતિ-પ્રકાશપર્વની ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ શહેરના જવાહરનગર ખાતે આવેલ શીશ મહેલમાં આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી.
જેમાં સવારે શીશ મહેલથી વાજતે ગાજતે ગુરૂનાનક સાહેબની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.
ત્યાર બાદ હવન અને અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા. જ્યારે નડિયાદ શહેરના રામતલાવડી ખાતે આવેલ ગુરૂ દ્વારામાં આજે ગ્રંથનું વાંચન કરાયું હતું. આ દરમ્યાન શીખ સંપ્રદાયાના લોકોએ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
ડાકોરમાં બાવન ગજ સહિતની અસંખ્ય ધજાઓ ચડાવાઇ
આજે ડાકોરમાં કારતક સુદ પૂર્ણિમાના દિવસે ગુજરાતભરમાંથી પાંચ લાખથી વધુ ભક્તો ઉમટી પડયા હતા. આજે વહેલી સવારે ૪.૩૦ વાગ્યાથી રણછોડરાયના દર્શન શરુ થયા હતા. મંગળા આરતી બાદ ૮ વાગે શ્રીજીએ રત્નજડીત મુગટ પહેરાવી શણગાર દર્શન આપ્યા હતા. જેના દર્શનની ઝાંખી માટે લોકોએ પડાપડી કરી હતી. સાંજે સાડા છ વાગ્યાના સુમારે આ મુગટ ઉતારવાની વિધિ બાદ,કંકુના ગોળાથી ભગાવનની નજર ઉતારવામાં આવી અને ત્યારબાદ શરૂ થયેલી વિધિનો પ્રસાદ મેળવવા શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. આ ઉપરાંત આજે ડાકોર મંદિરમાં બાવન ગજની ધજા સાથે નાની-મોટી અસંખ્ય ધજાઓ ચઢી હતી.


