વડોદરા, તા.15 જાન્યુઆરી 2020, બુધવાર
દર વર્ષે ઉત્તરાયણના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થતા હોય છે. વનવિભાગના આંકડા પ્રમાણે ગત વર્ષે ઉત્તરાયણના ૧૦ દિવસમાં ૧૪૦૦ પક્ષીઓ ઘાયલ થયા હતા. જ્યારે આ વર્ષે ચાર દિવસમાં ૬૦૦થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. જો કે હજુ પક્ષી બચાવો અભિયાન તા.૨૦જાન્યુ. સુધી કાર્યરત રહેશે.
શિયાળાના સમયમાં માઈગ્રેટરી પક્ષીઓનું આવવું અને ઉત્તરાયણનો પર્વની ઉજવણી બંને એકસાથે જ થાય છે. પતંગરસિયાઓ ઉત્તરાયણના પર્વના ચાર-પાંચ દિવસ અગાઉથી જ પાકા દોરાથી પતંગ ચગાવવાનું ચાલું કરી દે છે. આ પાકા દોરાને કારણે આકાશમાં વિહરતા અનેક પક્ષીઓ ઘાયલ થઈને જમીન પર પટકાય જાય છે. આ વર્ષે ચાર દિવસમાં વડોદરા શહેર અને જિલ્લામાં બગલો, ઘૂવડ, પોપટ, પેલિકન, કાંકણસાર, કબૂતર, ટીટોડી, બાજ, મોર, ઢેલ, ચામાચીડિયા, ઢોંક અને ચમચો જેવા પક્ષીઓ પતંગના દોરાને કારણે ઘાયલ થયા હતા. જો કે શહેરમાં કબૂતરની સંખ્યા વધુ હોવાથી તે સૌથી વધારે ઘાયલ થયા છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે વનવિભાગ દ્વારા તા. ૧૦ જાન્યુ.થી કરુણા અભિયાન શરુ કરાયું છે. જેમાં ૩૮ સેન્ટર પર ૭૦૦ સ્વયંસેવકો પક્ષીઓને બચાવાની કામગીરી કરી રહ્યા છે. તેઓએ ઘાયલ પક્ષીઓની સારવાર કરીને નવું જીવનદાન આપ્યું છે.
ઉપરાંત આ અભિયાનમાં લોકોને જોડવા વિહંગરથને અભિયાન હેઠળ ફરતો કરવામાં આવ્યો હતો. તા.૧૦થી ૨૦ જાન્યુ.સુધી આ રથ ૩૮ સેન્ટર પર ફરીને પક્ષીઓની રક્ષા માટે શું કરવું તેની જાણકારી આપતા સાહિત્યનું વિતરણ કરી રહ્યું છે. સામાન્ય ઈજા પામેલા પક્ષીઓને જરુરી સારવાર આપીને મુક્ત કરાયા હતા જ્યારે ગંભીર ઈજા પામેલા પક્ષીઓને લાંબી સારવાર માટે સયાજીબાગમાં આવેલા રેસ્ક્યુ સેન્ટર ખાતે ઈન્ડોર પેશન્ટની જેમ રાખવામાં આવ્યા છે.


