ચાણોદ નર્મદા નદીમાં છેલ્લા બે મહિનામાં ૩૨,૦૦૦થી વધુ અસ્થિઓના વિર્સજન થયા
સામાન્ય રીતે ચાણોદમાં રોજના ૧૫૦ અસ્થિ વિર્સજન માટે આવતા હોય છેઃધસારાને પગલે ગામમાં બે મોટા અને ચાર નાના પાર્કિંગ બનાવવા પડયાં
વડોદરા : શહેરથી ૫૪ કિ.મી. દૂર નર્મદા કાંઠે આવેલુ ચાણોદ ગામ મરણોત્તર ક્રિયા અને નારાયણબલી માટે દેશભરમા પ્રસિધ્ધ છે. કોરોનાની બીજી લહેર દરમિયાન ચાણોદના પંડિતઓએ ઇતિહાસમાં ક્યારેય ના જોયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી અહી રોજના સરેરાશ ૫૦૦ થી ૫૦૦ 'અસ્થિ કુંભ' નર્મદા નદીમાં વિર્સજન માટે આવી રહ્યા છે.
ચાણોદના પંડિતો અને શાસ્ત્રીઓનું કહેવુ છે કે 'ભૂતકાળમાં અસ્થિ વિર્સજન માટે આટલા મોટા પાયે ધસારો ક્યારેય જોવા નથી મળ્યો. સામાન્ય રીતે ( કોવિડ-૧૯ના આગમન પહેલા) ચાણોદમાં રોજના ૧૦૦ થી ૧૫૦ અસ્થિઓ વિસર્જન માટે આવે છે. પરંતુ આ વર્ષે તા.૧૫ માર્ચ પછી અસ્થિ વિર્સજન માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રોજના ૫૦૦ થી ૬૦૦ અસ્થિ કુંભ વિર્સજન માટે આવી રહ્યા છે. આ ધસારો ૧૮મી મે સુધી જોવા મળ્યો હતો. જેમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ઘટાડો થયો છે તેમ છતાં હજુ પણ રોજના સરેરાશ ૪૦૦ અસ્થિઓ વિર્સજન માટે આવી રહ્યા છે. ૧૫ માર્ચથી ૧૮મી મે દરમિયાન ચાણોદમાં ઓછામાં ઓછા ૩૨,૦૦૦થી વધુ અસ્થિઓના વિર્સજન થયા છે.
ચાણોદમાં મોટાભાગના અસ્થિઓ વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, નડિયાદ, પંચમહાલ, સુરત, ભરૃચ, અંકલેશ્વરમાંથી આવી રહ્યા છે. કેટલાક અસ્થિઓ મધ્ય પ્રદેશમાંથી પણ આવે છે. નાના એવા ચાણોદ ગામમાં બહારગામથી રોજની ૬૦૦ થી ૭૦૦ ગાડીઓ આવતી હોવાથી શરૃઆતના દિવસોમાં ભારે મુશ્કેલી થઇ હતી જો કે પછી બે મોટા પાર્કિંગ અને ચાર નાના પાર્કિંગની વ્યવસ્થા કરી દેવામાં આવતા હવે ગામના લોકોને અને આવનાર લોકોને સમસ્યા થતી નથી.
કચ્છના ભૂકંપ વખતે પણ આવો ધસારો થયો હતો : આર્થિક સ્થિતિ સારી ના હોય તો નિઃશૂલ્ક વિધિ કરાવવામાં આવે છે
ચાણોદ બ્રહ્મ સમાજના આગેવાન શાસ્ત્રી સતિષભાઇ પુરોહિત અને દિલીપ જોષી (મહારાજ) કહે છે કે 'અગાઉ કચ્છના ભુકંપ વખતે ચાણોદમાં અસ્થિ વિર્સજન માટે ધસારો જોવા મળ્યો હતો. જો કે ત્યારે પણ આટલી મોટી સંખ્યામાં અસ્થિ વિર્સજન માટે આવતા નહતા. કોરોનાના કારણે લોકોની સ્થિતિ ખૂબ ખરાબ થઇ છે. આ રોગના કારણે એક તરફ પોતાનુ સ્વજન ગુમાવ્યુ હોય અને બીજી તરફ હોસ્પિટલોના બિલ ભરીને માણસ ખુંવાર થઇ ગયો હોય. આવી સ્થિતિમાં સ્વજનો મૃતકની અસ્થિ વિસર્જન સહિતની મરણોત્તર ક્રિયા માટે થતા ખર્ચ અંગે મુંઝવણ અનુભવતો હોય છે.
આવા યજમાનને જમાડીને પરત જવા માટેનું ભાડુ પણ બ્રાહ્મણો દ્વારા આપવામાં આવી રહ્યુ છે
પરંતુ ચાણોદના બ્રાહ્મણોએ નક્કી કર્યુ છે કે આર્થિક મુશ્કેલી સાથે આવતા કોઇ પણ વ્યક્તિના સ્વજનની અસ્થિ વિર્સજન જ નહી પરંતુ ૧૦મા, ૧૧મા, ૧૨મા અને ૧૩માની ક્રિયાઓ નિઃશૂલ્ક કરી દેવામાં આવશે. છેલ્લા બે મહિનામાં સેંકડો લોકોની આ પ્રકારે નિઃશૂલ્ક સેવા કરી છે એટલુ જ નહી ૧૦માથી ૧૩મા સુધીની ક્રિયા બે દિવસ ચાલે છે અને તેમા ઉપયોગમાં લેવાતી સામગ્રી અને વસ્તુઓનો ખર્ચ પણ બ્રાહ્મણો જ ઉઠાવે છે.કેટલાક લોકો તો એવા પણ હતા કે તેમની પાસે ચાણોદથી પરત જવાના પણ પૈસા નહતા તો તેમને બસ ભાડુ આપીને, જમાડીને મોકલવામાં આવ્યા હતા.
બ્રાહ્મણો દ્વારા કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન મંડપમાં માત્ર પાંચ વ્યક્તિઓને માસ્ક સાથે જ પ્રવેશ અપાય છે
ચાણોદના શાસ્ત્રી નરેન્દ્ર ભટ્ટ અને શાસ્ત્રી આશુતોષ ભટ્ટ કહે છે કે 'ધસારો હોવા છતાં અમે કોરોનાથી ડરતા નથી. જેમ ડોક્ટરો અને નર્સ પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેમ અમે પણ કોરોના વોરિયર છીએ અને અમારી ફરજ નિભાવી રહ્યા છીએ. રોજના ૫૦૦ થી ૬૦૦ અસ્થિઓ વિર્સજનમાં આવી રહ્યા હોવાથી આ ધસારાને પહોંચી વળવા માટે ચાણોદમાં નર્મદા નદીના બન્ને કિનારા ઉપર અને ત્રિવેણી સંગમ ઉપર બ્રાહ્મણોએ આશરે ૧૦૦થી વધુ મંડપ તૈયાર કરી દીધા છે. આ ઉપરાંત કુબેર ભંડારી તરફ પણ કેટલાક મંડપ તૈયાર કરવામાં આવ્યા છે.
યજમાનથી ૬ ફૂટનું અંતર રાખીને વિધિ કરાવવામાં આવે છે, દરેક મંડપમાં સેનેટાઇઝરની વ્યવસ્થા
સૌથી અગત્યની વાત એ છે કે કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યુ છે. અહી દરેક મંડપમાં મૃતકના માત્ર પાંચ પરિવાજનને જ પ્રવેશ આપવામાં આવે છે. મંડપની આસપાસ ભીડ એકઠી થવા દેવામાં આવતી નથી. મંડપમાં પણ બ્રાહ્મણો સેનેટાઇઝરની વ્યવસ્થા રાખે છે. બ્રાહ્મણો અને યજમાનો માટે માસ્ક ફરજીયાત છે તથા ૬ ફૂટનું અંતર રાખીને જ વિધિ કરાવવામાં આવે છે.
પરિવારના પાંચ લોકોના અસ્થિ કુંભ યુવકના હાથમાં જોઇને અમે આઘાતમાં સરી પડયા
શાસ્ત્રી અશ્વિનભાઇ પુરોહિત કહે છે કે કોરોનાએ અનેક પરિવારને બરબાદ કર્યા છે. એક જ પરિવારમાં એકથી વધુ લોકોના મૃત્યુ થયા હોય એવા સેંકડો કિસ્સાઓ છે. એક સપ્તાહ પહેલા અમદાવાદથી એક ૧૮ વર્ષનો યુવક અસ્થિ વિસર્જન માટે આવ્યો હતો તેની પાસે તેના પિતાના, દાદા-દાદીના અને કાકા-કાકીના મળીને પાંચ અસ્થિકુંભ હતા. ૧૦ દિવસના ગાળામાં તેના પરિવારમાં પાંચ જણ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા અને પરિવારમાં અસ્થિ વિર્સજન માટે આ એક યુવક જ બચ્યો હતો તેના હાથમાં પાંચ અસ્થિ કુંભ જોઇએ અમે આઘાતમાં સરી પડયા હતા. આવુ દ્રશ્ય અમે અગાઉ ક્યારેય નથી જોયુ