Get The App

અમદાવાદથી રવિવારે 22થી વધુ એકસ્ટ્રા એસ.ટી.બસો દોડાવાઇ

- દિવાળી ઉજવવા વતન તરફ લોકોનું પ્રયાણ શરૂ

- શનિવારેે 56,622 ટિકિટ બુક થઇ, છેલ્લા 6 દિવસથી રોજની 1 કરોડથી વધુની કિંમતની ટિકિટો બુક થઇ રહી છે

Updated: Oct 31st, 2021

GS TEAM

Google News
Google News

અમદાવાદ,તા.31 ઓક્ટોબર 2021, રવિવારઅમદાવાદથી રવિવારે 22થી વધુ એકસ્ટ્રા એસ.ટી.બસો દોડાવાઇ 1 - image

અમદાવાદથી આજે રવિવારે ૨૨ થી વધુ એકસ્ટ્રા સંચાલનની એસ.ટી.બસો દાહોદ-ગોધરા-ઝાલોદ અને સૌરાષ્ટ્ર માટે ઉપડી હતી. નિગમ દ્વારા મુસાફરોની ભીડને જોતા ૫૦ એકસ્ટ્રા બસો તૈયાર રખાઇ હતી. ગીતા મંદિર, રાણીપ, બાપુનગર સહિતના વિવિધ એસ.ટી.સ્ટેન્ડો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ગુરૂવારે દિવાળી હોવાથી આજે રવિવારની રજાનો લાભ લઇને મોટાભાગના પરિવારો વતન તરફ જવા ઉપડી ગયા હતા. શહેરના એન્ટ્રી ગેટ પર પણ મોટી સંખ્યામાં લોકો બસોની રાહ જોતા જોવા મળ્યા હતા. લકઝરી સહિતના ખાનગી વાહનો પણ મોટી સંખ્યામાં ભરાયા હતા.

ગઇકાલે શનિવારે પણ અમદાવાદથી રૂટીન બસો ઉપરાંત વધારાની ૨૦ બસો દોડાવવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોમાં  દાહોદ-ગોધરા-ઝાલોદ-પંચમહાલ તરફ  ટ્રાફિક વધુ હોવાથી તે તરફ વધુ બસો દોડાવાય છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો બાંધકામ ક્ષેત્રે મજૂરી માટે આવતા હોવાથી તે તરફ ભારે ટ્રાફિક રહે છે.

ગઇકાલે તા.૩૦ ઓક્ટોબરના રોડ એક જ દિવસમાં  રાજ્યભરમાં ૫૬,૬૨૨ ટિકિટ બુક થઇ હતી. કુલ ૧.૧૫ કરોડ રૂપિયાની આવક નિગમને એક જ દિવસમાં થવા પામી હતી. તેમાંથી ૧૭,૯૩૩ કાઉન્ટર બુકિંગ ઓફિસેથી બુક કરાવાઇ હતી. મોબાઇલ થકી ૧૪,૨૮૬ ટિકિટ અને ઓનલાઇન ૭,૦૬૫ ટિકિટ બુક થવા પામી હતી. તેની સામે ગયા વર્ષે આ દિવસે ફક્ત ૩૦,૯૫૩ ટિકિટ બુક થઇ હતી અને ૬૬.૪૨ લાખની આવક નોંધાઇ હતી. આ વર્ષે તેમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે.

ઓપીઆરએસ બુકિંગ થકી છેલ્લા ૬ દિવસથી રોજની ૧ કરોડથી વધુની કિંમતની ટિકિટો બુક થઇ રહી છે. અમદાવાદથી આજે રવિવારે સૌરાષ્ટ્રના સાવરકુંડલા, ધારી અને અમરેલી માટે પણ ૭ બસો એકસ્ટ્રા સંચાલન થકી ઉપાડવામાં આવી હતી. ગીતા મંદિર બસ મથકે મુસાફરોની અતિભારે ભીડ જોવા મળી હતી. લોકો બસ માટે અને સીટ મેળવવા માટે આમતેમ ફાંફા મારતા , પરિવારના સભ્યો માલસામાન સાથે દોડધામ કરતા, ઇન્કવાયરી બારીમાં પુછપરછ કરતા જોવા મળ્યા હતા.

ગુરૂવારે દિવાળી છે. મંગળવારે અને બુધવારે એસ.ટી.બસ મથકો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળશે. આ માટે નિગમ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી રખાઇ છે. 

Tags :