અધ્યાત્મા રામાયણ પર મોહિનીઅટ્ટમ નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કરાઈ
કૌશલ્યા કહે છે બાળક રામને હાથમાં લેતા જ મારી બધી જ ચિંતાઓ દૂર થઈ જાય છે
વડોદરા, તા. 16 માર્ચ 2020, સોમવાર
રામાયણનો એક અંશ એટલે સંસ્કૃતમાં લખાયેલા અધ્યાત્મા રામાયણ પર શહેરમાં પ્રથમવાર મોહિની અટ્ટમ નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કમાટીબાગના એમ્ફી થીયેટર ખાતે કરવામાં આવી હતી. જેમાં શહેરના છ કલાકારોએ કૌશલ્યા, સીતા તેમજ રામના જન્મ સમયે અયોધ્યાવાસીઓ શું કહે છે તેને નૃત્ય દ્વારા રજૂ કર્યંર હતું.
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી આયોજિત આ નૃત્ય નાટિકા વિશે નૃત્યકાર ડો.ઐશ્વર્યા વોરિયરે કહ્યું કે શાસ્ત્રીય નૃત્ય મોહિનીઅટ્ટમમાં ભગવાન શ્રીકૃષ્ણની જ રાસલીલા દર્શાવવામાં આવે છે. જો કે ભગવાન રામ પર નૃત્યની પ્રસ્તુતિ ભાગ્યેજ થાય છે. અમે પ્રથમવાર સંસ્કૃત ગાયનની સાથે નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. જેમાં માતા કૌશલ્યા પોતાના ગર્ભમાં રહેલા ભગવાન રામની માતા તરીકે પોતાના અનુભવનું વર્ણન કરે છે તેઓ કહે છે રામ તમે ભગવાન છો, અનંત છો પરંતુ પહેલા મારા પુત્ર છો. હું જ્યારે તમને હાથમાં લઉં છું ત્યારે મારી બધી જ ચિંતાઓ દૂર થઈ જાય છે. અજ્ઞાાનરુપી અંધારુ પણ જતું રહે છે.
બીજી તરફ સીતાને પ્રકૃતિની દેવી તરીકે નૃત્યમાં દર્શાવી હતી. તેના દ્વારા સંદેશો આપ્યો કે આપણી આસપાસ ઘણા બદલાવ આવતા રહે છે તેને સ્વીકારીને નકારાત્મક્તાને દૂર કરી રામના માર્ગે ચાલીએ તો જીવન સુધરી જાય છે.