વડોદરાની જેલમાં જડતી દરમિયાન કેદી પાસે મળતા મોબાઇલનો જેલમાં જ સોદો
વડોદરા,તા.3 ફેબ્રુઆરી,2020,સોમવાર
વડોદરાની જેલમાં ચાલતા કોલ સેન્ટરમાં ગોધરા કાંડના સલીમ જર્દાનો ભારે દબદબો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ,જેલમાં કેટલીક વાર જડતી દરમિયાન મળતા મોબાઇલની નોંધ જ કરાતી નહતી અને આ ફોનના જેલની અંદર જ સોદા થઇ જતા હતા.કોલ સેન્ટરના નેટવર્ક પર સલીમ જર્દાનું વર્ચસ્વ રહેતું હતું.રાવપુરા પોલીસે અત્યાર સુધીમાં જેલમાંથી મળેલા મોબાઇલ ફોનોની તપાસ કરી હતી.પરંતુ આવી કોઇ વિગતોની તપાસમાં પોલીસ ઉંડી ઉતરી નથી.
જેલમાં મર્ડરના કેસમાં સજા ભોગવતો રમેશ નામનો કેદી પણ કેદીઓ સુધી સવલતો પહોંચાડવામાં સક્રિય હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે.આ કેદીના સંપર્કમાં રહેતા જેલ કર્મીઓની પોલીસ તપાસ ચલાવી રહી છે.
જેલમાં ગોવા રબારીનું નામ પણ ખૂબ પ્રચલિત છે.કહેવાય છે કે,જેલ સુપ્રિટેન્ડન્ટ ગેરહાજર હોય ત્યારે ગોવા રબારી કેટલાક માનીતા અધિકારીઓ સુધી પહોંચી જઇ ભલામણો કરતો હોય છે.ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેલમાં ચાલતી ગેરરિતી બાબતે પકડાયેલા કર્મચારી હાર્દિક ખૈરની પૂછપરછ જારી રાખી છે.