Get The App

બરોડા ડેરીના મુદ્દે ધારાસભ્યોનો હોબાળો : વડોદરા ભાજપના જિલ્લા પ્રમુખને બદલવા હિલચાલ

Updated: Feb 20th, 2023

GS TEAM


Google News
Google News
બરોડા ડેરીના મુદ્દે ધારાસભ્યોનો હોબાળો : વડોદરા ભાજપના જિલ્લા પ્રમુખને બદલવા હિલચાલ 1 - image

વડોદરા,તા.20 ફેબ્રુઆરી 2023,સોમવાર

વડોદરા જિલ્લાના કેટલાક ધારાસભ્યો હાલ બરોડા ડેરીના મુદ્દે ઉભારો મચાવી રહ્યા છે ત્યારે ભાજપનું રાજકારણ ગરમાયું છે ત્યારે બીજી બાજુ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને બદલવાની પણ વાતો વહેતી થઈ છે.

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ (કોયલી)ને ગમે ત્યારે તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી ભાજપના આંતરિક રાજકારણમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. અશ્વિન પટેલ (કોયલી)થી ભાજપના જિલ્લાના કેટલાક આગેવાનો-કાર્યકર્તાઓ તથા ભાજપના કેટલાક ધારાસભ્યો નારાજ હોવાનું છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં છે. જિલ્લા ભાજપ પ્રમુખ હોવાની સાથે તેમણે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી પાર્ટીમાંથી ઝંપલાવ્યું હતું. તેઓ અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે શરમજનક રીતે હારી ગયા હતા. અશ્વિન પટેલની કારમી હાર પછી પાર્ટીમાં તેમના વિરોધીઓ વધુ સક્રિય થયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અશ્વિન પટેલ (કોયલી) અંગે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ કેટલાક ધારાસભ્યોએ પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. કેટલીક બાબતોમાં અશ્વિન પટેલ વિરુદ્ધ લેખિત રજૂઆત કરી હોવાની પાર્ટીની આંતરિક બાબતોમાં ચર્ચાઇ રહ્યું છે. ગમે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અશ્વિન પટેલનું રાજીનામું લઈ લેવાય અથવા તેમને બદલી દેવાય તેવી અટકણો ભાજપમાં ચર્ચાઇ રહી છે.

Tags :