વડોદરા,તા.30 નવેમ્બર,શુક્રવાર
વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની સર્વિસ બુકો સ્કેન કરવાની કામગીરી દરમિયાન અનેક શિક્ષકોની સર્વિસ બુકો સાથે ચેડાં થઇ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષણના રિવ્યુ માટે આજે આવેલા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે લીધેલી મીટિંગમાં તમામ તાલુકાઓના શિક્ષક સંઘોના પ્રમુખ-મંત્રીઓને પણ બોલાવ્યા હતા.
આ દરમિયાન વાઘોડિયાના હોદ્દેદારોએ એક અધિકારીની હેરાનગતિની રજૂઆત કરી હતી અને સાતમા પગાર પંચ માટે શિક્ષકોની સર્વિસ બુક સ્કેન કરવાની કામગીરી દરમિયાન સર્વિસ બુક સાથે ગંભીર ચેડાં થવાની આશંકા દર્શાવી હતી.
જ્યારે,પાદરાના શિક્ષક આગેવાને પત્ર રજૂ કરી સર્વિસ બુકોનું કામ અધૂરૃં હોવાની અને અન્ય પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી.તેમણે અગાઉ એક અધિકારીને નિયમ વિરૃધ્ધ ચાર્જ આપવામાં આવ્યો હોવાની અને શિક્ષિકાને સતામણી કરવામાં આવતી હોવાની પણ રજૂઆત કરી હતી.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સર્વિસ બુકોનું કામ મંથરગતિએ ચાલી રહ્યું હોઇ શિક્ષકોમાં ભારે અસંતોષ હોવાની વિગતો જાણવા મળી છે.


