મધ્યાહન ભોજન યોજનાનાં કર્મચારીઓને છેલ્લા ચાર માસથી પગાર ચૂકવાયો નથી !
- કમિશનર, શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઇ
- પ્રા.શાળામાં ચાલતા 29 હજાર કેન્દ્રોનાં 96 હજાર કર્મચારીઓ પગાર વગર ફાંફે ચઢ્યા
અમદાવાદ, તા. 30 જૂન 2019, રવિવાર
ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને છેલ્લા ચાર માસથી પગાર તેમજ બે માસની પેશગી ન મળતા તેઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ગત માર્ચ માસથી પગાર મળ્યો નથી, અછતગ્રસ્ત તાલુકાઓમાં મધ્યાહન ભોજન ચાલુ રાખેલ તે માટે પણ આજદીન સુધી એડવાન્સ પેશગી અપાઇ નથી. તેમજ નવા શૈક્ષણિક સત્રથી અપાતી પેશગી ( ખર્ચા માટે અગાઉથી અપાતી વધારાની રકમ) પણ ન અપાતા કર્મચારીઓમાં ભારોભાર અસંતોષ અને અન્યાયની લાગણી જોવા મળી રહી છે.
આ મામલે ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના આગેવાનોના જણાવ્યા મુજબ રાજ્યમાં મધ્યાહન ભોજન યોજનાના ૨૯ હજાર કેન્દ્રોમાં ૯૬ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. દૈનિક ૩૫ લાખ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનનો લાભ લઇ રહ્યા છે.
મધ્યાહન ભોજન યોજનાના સંચાલકને માસિક ૧,૬૦૦ રૂપિયા, રસોઇયાને ૧,૪૦૦ રૂપિયા અને મદદનીશને ૩૦૦ થી ૫૦૦ રૂપિયા જેટલું નજીવું વેતન અપાઇ રહ્યું છે. તેમાંય પગાર સમયસર થતો નથી. હાલમાં તો ગત માર્ચ માસથી લઇનેે ચાલુ જૂન માસ સુધીના ચાર માસથી પગાર થયો નથી. તેમજ મળવાપાત્ર બે પેશગીની રકમ પણ ચૂકવાઇ નથી. આ મામલે રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના કમિશનર તેમજ શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરાઇ છે. તેમ છતાંય આજદીન સુધી પગાર-પેશગી મળી નથી.
કેન્દ્રો પર અનાજ- કઠોળનો પુરતો જથ્થો મળતો ન હોવા અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે નક્કી કરેલા ધારા-ધોરણ મુજબ પુરતો પગાર પણ ન અપાઇ રહ્યો હોવાની પણ લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.