ગ્રાહકોને મોબાઈલ પર વીજ બિલ મોકલાશે અને પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હવે એચટી (હાઈ ટેન્શન) જોડાણ લેનારા તમામ ગ્રાહકોને વીજ બિલ તેમના નોંધાયેલા ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર પર જ મોકલવામાં આવશે.સાથે સાથે આ ગ્રાહકોએ પોતાના બિલનુ પેમેન્ટ પણ ઓનલાઈન મોડથી જ કરવાનુ રહેશે.આ માટે તેમને વીજ કંપની દ્વારા અલગ અલગ વિકલ્પ પૂરા પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વીજ કંપનીના વડોદરા સહિત મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં ૩૩.૪૪ લાખ ગ્રાહકો છે.જેમાં ૨૩૯૧ હાઈ ટેન્શન જોડાણ લેનારા ગ્રાહકો છે.રેલવે સહિતના મોટા ઉદ્યોગો પાસે હાઈ ટેન્શન જોડાણ હોય છે.
સાથે સાથે એલટી( લો ટેન્શન)કનેક્શન લેનારા ઔદ્યોગિક વીજ ગ્રાહકોને પણ ઓગસ્ટ ૨૨થી મોબાઈલ અને ઈ મેઈલ પર વીજ બિલ મોકલવામાં આવશે.ગ્રાહકો એમજીવીસીએલ એપ થકી અથવા સબ ડિવિઝનનો સંપર્ક કરીને મોબાઈલ કે ઈ મેઈલ રજિસ્ટર્ડ કરાવી શકશે.આ ગ્રાહકોએ પણ પેમેન્ટ ઓનલાઈન મોડથી કરવાનુ રહેશે.
ઉપરાંત બીજી કેટેગરીમાં આવતા વીજ ગ્રાહકોને પણ નવી યોજનામાં આવી લેવાયા છે.જાણવા મળતી વિગતો પ્રમાણે જે ગ્રાહકોનુ વીજ બિલ ૧૦૦૦૦ રુપિયા કે તેથી વધુ હોય તેમને પણ વીજ બિલ મોબાઈલ નંબર પર કે ઈ મેઈલ આઈડી પર મોકલાશે અને તેમણે પણ વીજ બિલનુ પેમેન્ટ ઓનલાઈન મોડમાં કરવાનુ રહેશે.ઓનલાઈન પેમેન્ટ માટે ઈ વોલેટ, કેશ કાર્ડ, રુપે કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ , પેટીએમ , ગૂગલ પે બેન્ક આરટીજીએસ, વીજ કંપનીની વેબસાઈટ જેવા વિવિધ વિકલ્પોનો ઉપયોગ ગ્રાહકો કરી શકશે.વીજ કંપનીના સૂત્રોનુ કહેવુ છે કે, એમજીવીસીએલ એપ પણ ગ્રાહકો માટે લોન્ચ કરાઈ છે.જેના પર ૬ મહિનાના વીજ બિલ ડાઉનલોડ કરવાની, ૬ મહિનાના પેમેન્ટની જાણકારી આપવાની સુવિધા પણ મલશે અને તેના પરથી ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકાશે.
તાજેતરમાં જ વીજ કંપની દ્વારા નવા વીજ જોડાણ માટેની પ્રક્રિયા પણ ઓનલાઈન કરી દેવામાં આવી છે.હવે ડિજિટલાઈઝેશન માટે બીજો મોટો નિર્ણય લેવાયો છે.