મધ્ય ગુજરાતમાં કેન્દ્ર સરકારના 4479 સર્વિસ સેન્ટરો પર પણ વીજ બિલ ભરી શકાશે
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપનીના ગ્રાહકોને હવે વીજ બિલ ભરવા માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.મધ્ય ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો કેન્દ્ર સરકારના કોમન સર્વિસ સેન્ટરો પર પણ વીજ બિલ ભરી શકશે.મધ્ય ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્રમાં ૪૪૭૯ કોમન સર્વિસ સેન્ટર કાર્યરત છે.જે પૈકી વડોદરા શહેરમાં ૨૯૭ અને વડોદરા જિલ્લામાં ૨૮૫ સેન્ટરો આવેલા છે.
મળતી વિગતો પ્રમાણે મધ્ય ગુજરાત વીજ કંપનીએ ભારત સરકારના ઈન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલયના ઈ ગર્વનન્સ સર્વિસ ઈન્ડિયા લિમિટેડ સાથે આ કરાર કર્યો છે.મધ્ય ગુજરાતમાં કેન્દ્ર સરકારની આધાર કાર્ડ, પાન કાર્ડ જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે પહેલેથી ૪૪૭૯ કોમન સર્વિસ સેન્ટરો ચાલે છે.જેના પર હવે વીજ કંપનીના ગ્રાહકો વીજ બિલ પણ ભરી શકશે.
શહેરોમાં ગ્રાહકોનો એક મોટો વર્ગ હવે ઓનલાઈન વીજ બિલ ભરતો થઈ ગયો છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ લોકો રોકડ બિલ ભરવાનુ પસંદ કરે છે.શહેરોમાં પણ આ રીતે બિલ ભરનારા લોકોની સંખ્યા પણ નોધપાત્ર છે.જેઓ વીજ કંપનીના સબ ડિવિઝન પર જઈને અથવા તો વીજ કંપનીએ મંજૂર કરેલા પ્રાઈવેટ કલેક્શન સેન્ટરો પર વીજ બિલ ભરે છે.જોકે આવા પ્રાઈવેટ સેન્ટરોની સંખ્યા સાવ ઓછી છે ત્યારે ગ્રાહકોને એક નવો વિકલ્પ મળશે.મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકોને વીજ બિલ ભરવા માટે વધુ સુવિધા આપવા બેન્કો સાથે પણ જોડાણ કરવામાં આવી રહ્યુ છે.બે દિવસ પહેલા એક રાષ્ટ્રીયકૃત બેન્ક સાથે કરાર થઈ ચુકયા છે.આગામી દિવસોમાં બીજી બે બેન્કો સાથે કરાર કરવા માટેની કવાયત ચાલી રહી છે.આમ બેન્કોમાં પણ ગ્રાહકોને વીજ બિલ ભરવાની સુવિધા મળશે.