વડોદરા: મેઘાણી પ્રખર પત્રકાર હતા તેથી તેમના સાહિત્યમાં અદના આદમીને સમજાય તેવી સરળતા અને રોચકતા આવી: ગૃહ રાજ્યમંત્રી
વડોદરા,તા.28 ઓગષ્ટ 2021,શનિવાર
સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની વડોદરા ખાતે ઉજવણી થઇ હતી.
આ પ્રસંગે ઝવેરચંદ કાળીદાસ મેઘાણીજી પોતાને પહાડનું બાળક ગણાવતા તેનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, તેઓ ગુજરાતનું પરમ ગૌરવ અને ગુજરાતી સાહિત્યના ગૌરવના સંવર્ધક છે. તેઓ તેમના સમયના પ્રખર પત્રકાર હતા અને પત્રકારિતાના સ્પર્શથી તેમનું સાહિત્ય ખૂબ ઉચ્ચ કક્ષાનું હોવાની સાથે અદનો માણસ સમજી અને માણી શકે એવું સરળ બન્યું. તેમણે જંગલો અને પહાડો ખૂંદીને, નેસડે નેસડે ફરીને લોક કાવ્યો, લોક ગીતો,શૌર્ય કથાઓ જાણીને,લોકો સમક્ષ મૂકીને આ ગૌરવ વારસાની કાયમી સાચવણી નિશ્ચિત કરી જે એક ખૂબ મોટું યુગ કાર્ય ગણાય.તેની સાથે તેમણે સિંધુડો અને અન્ય રચનાઓ દ્વારા જુલ્મી અંગ્રેજો સામે જાણે કે સિંહ ગર્જના કરી અને જેલવાસ પણ ભોગવ્યો. તેઓ બુલંદ કંઠના માલિક હતા અને પૂજ્ય બાપુ અને ગુરુવર રવીન્દ્રનાથ ઠાકુરે તેમના કંઠે ગીતોનો આકંઠ રસાસ્વાદ માણ્યો હતો.
ગૃહ મંત્રીએ તેના ભાગરૂપે રાજ્યના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની વડોદરા કચેરી દ્વારા,જિલ્લા પ્રશાસન, મ.સ.વિશ્વ વિદ્યાલય અને અન્ય સંસ્થાઓના સહયોગથી યોજેલા મેઘાણી સવાસોમો જન્મોત્સવ ઉજવણીનો મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે પ્રારંભ કરાવ્યો હતો.
મેઘાણીજીએ તેમના સાહિત્ય સર્જનમાં ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિનો ધબકાર ઝીલ્યો છે તેવી લાગણી વ્યક્ત કરતા ગૃહ મંત્રીએ, તેમણે ગોળમેજી પરિષદમાં જતા બાપુને સંબોધીને લખેલા છેલ્લો કટોરો ઝેરનો કાવ્યનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમના વિરાટ વ્યક્તિત્વમાં સંવેદનશીલતા, વીરતા,ઝનૂન,જુસ્સોનો સમન્વય જોવા મળે છે.
વડોદરાના રાજા અને પ્રજાએ સ્વતંત્રતાની લડતમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે જેનો ઉલ્લેખ છેક ૧૮૫૭ થી જોવા મળે છે તેવી જાણકારી આપતાં તેમણે કહ્યું કે, આ લડતના શહીદોની શહાદતને રાષ્ટ્રે કાયમ યાદ રાખવી જ રહી. તે માટે જ આઝાદી અમૃત પર્વ અને મેઘાણી જયંતિની ઉજવણીના વ્યાપક આયોજનો ભારત સરકાર અને રાજ્ય સરકારે કર્યા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે સાબરમતી જેલમાં મેઘાણી જે કુટિરમાં રહ્યા હતા તે કુટિરમાં મેઘાણી સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે.
એમ.એસ. યુનિ.ના કાર્યકારી કુલપતિ પ્રો.એન.એમ.પરમારે જણાવ્યું કે સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની સવાસોમી જન્મ જયંતીએ કસુંબીનો રંગ ઉત્સવ યોજીને રાજ્ય સરકારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.