For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીના ઉદ્યોગજૂથો સાથે વન-ટુ-વન બેઠક, રોકાણ કરવા માટે આમંત્રણ

Updated: Nov 26th, 2021

Article Content Image

દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટન રેઈઝર નવી દિલ્હીમાં

રોડ-શો દરમ્યાન ઉદ્યોગ સંચાલકોને 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનારી સમિટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની રાજધાની નવી દિલ્હીમાં રોડ-શો યોજીને ગુજરાતની 10મી ગ્લોબલ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં મૂડીરોકાણ કરવા માટે દેશભરના ઉદ્યોગજૂથોને આમંત્રણ આપ્યું છે. અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે તેમણે વન-ટુ-વન બેઠક કરી હતી.

રોડ-શો દરમ્યાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં 2003થી દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટ હવે ગ્લોબલ નોલેજ શેરીંગ નેટવર્કિંગનું વૈશ્વિક પ્લેટફોર્મ બની ગઇ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી જાન્યુઆરી 2022ના રોજ મહાત્મા મંદિરમાં આ સમિટનો પ્રારંભ કરાવશે. આ સમિટમાં વિવિધ દેશોના મહાનુભાવો, બિઝનેસ ડેલિગેશન, રાજ્યોના વડા અને ઉદ્યોગજૂથો તેમજ ભારતના સરકારના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે.

દેશના ઉદ્યોગજૂથોને સંબોધન કરતાં કહ્યું હતું કે આ વખતે સમિટની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી છે. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં સૌથી વધુ એફડીઆઇ એટલે કે 21.9 યુએસ બિલિયન ડોલર જેટલું રોકાણ 2021માં ગુજરાતે મેળવ્યું છે. ભારતના ભાવિ વિકાસ ગ્રોથમાં ધોલેરા સર, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ મોટું યોગદાન આપશે.

દિલ્હીના આ રોડ-શોમાં મારૂતિ સુઝુકીના એમડી અને સીઇઓ કિંચી આયુકાવાએ જણાવ્યું કે, ગુજરાત દેશનું અગ્રીમ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી અને મેન્યુફેક્ચરીંગ ફ્રેન્ડલી રાજ્ય છે. ભારતને નેટ કાર્બન ઝિરો કન્ટ્રી બનાવવામાં ગુજરાત લીડ લઇ શકે એમ છે. જેસીબીના એમડી અને સીઇઓ દિપક શેટ્ટીએ જણાવ્યું કે, કોવિડ પેન્ડેમિકની કપરી પરિસ્થિતિ હોવા છતાં સરકારના સહકારના કારણે કંપની પોતાનું છઠ્ઠું ઉત્પાદન એકમ વડોદરામાં સ્થાપવામાં સફળ રહી છે.

રાજ્યના મુખ્યસચિવ પંકજકુમારે દેશના અગ્રણી ઉદ્યોગજૂથોને વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહી મૂડોરોકાણ કરાવ આમંત્રણ આપ્યું હતું, જ્યારે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ રાજ્યની ઔદ્યોગિક અને આથક વ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણની તકોનું વિવરણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓએ પણ ઉદ્યોગકારોને ગુજરાતની સમિટમાં સામેલ થવા વિનંતી કરી હતી.

ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને મળ્યા...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વાયબ્રન્ટ સમિટના પ્રારંભ પૂર્વે યોજાયેલા રોડ-શો અને વન-ટુ-વન બેઠકો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લઇ તેમને વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. આ સાથે તેમણે ગુજરાતમાં 10મી વાયબ્રન્ટ સમિટની ચાલી રહેલી તૈયારી અંગે વડાપ્રધાનને માહિતાગાર કર્યા હતા.

નવ ઉદ્યોગજૂથોએ વાઇબ્રન્ટમાં રોકાણની તત્પરતા દર્શાવી...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના નવ અગ્રણી ઉદ્યોગજૂથો સાથે નવી દિલ્હીમાં બેઠક કરી હતી અને તેમણે વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહી મૂડીરોકાણ કરવાની તત્પરતા દર્શાવી છે. આ બેઠકમાં મારૂતિ સુઝૂકીના એમડીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અમારૂં મૂડીકોરાણ 16000 કરોડનું છે. અમે ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સલન્સ પણ સ્થાપી રહ્યાં છીએ. અવાડા એનર્જીના ચેરમેન વિનીત મિત્તલે રાજ્યમાં પાંચ વર્ષમાં બિનપરંપરાગત ઉર્જા સેક્ટરમાં 20000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.

ઑયો હોટેલ્સ એન્ડ હોમ્સના સંચાલકોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 750 હોટલ સાથે તેઓ સંકળાયેલા છે અને 7500 લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી પુરી પાડે છે. તેઓ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે પણ હોમ સ્ટેનો પ્રોજેક્ટ શરૂ કરશે. પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના એમડી અને વીસી મયંક સિંઘલે કહ્યું હતું કે પીઆઇ ઝડપથી વિકસી રહેલી કૃષિ વિજ્ઞાાનની કંપની છે. ગુજરાતના પાનોલી જંબુસરમાં પોતાના ઉત્પાદન એકમો ધરાવે છે. આ કંપનીના સંચાલકો સમિટમાં ઉપસ્થિત રહેશે.

જેસીબીના સીઇઓ દીપક શેટ્ટીએ જણાવ્યું હતું કે તેઓ હાલોલમાં 650 કરોડના રોકાણ સાથે 1100 લોકોને રોજગારી આફતો પ્લાન્ટ આગામી એપ્રિલ 2022માં શરૂ કરશે, જ્યારે અર્બન કંપનીના સીઇઓ અભિરાજસિંહ ભાલે જણાવ્યું હતું કે તેમની કંપની એશિયાનું સૌથી મોટું ઓનલાઇન સર્વિસ પ્લેટફોર્મ છે. દેશના 50 શહેરો અને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં તેમની સેવા આપે છે.

દીપક શેટ્ટીએ વાયબ્રન્ટ સમિટમાં સરકાર સાથે જોડાઇને સ્કિલિંગ પ્રોગ્રામ તેમજ આઇટીઆઇના વિદ્યાર્થીઓ સહિત યુવાનોને ઓનલાઇન હોમ સવસ પ્લેટફોર્મ દ્વારા રોજગારી પુરી પાડવાની ઇચ્છા દર્શાવી છે. આ બેઠકમાં ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી અજય શર્માએ ગુજરાતમાં તેમના વર્તમાન રોકાણને વધારવાની ઉત્સુકતા દર્શાવી છે. તેઓ કૃષિ અને ગ્રામીણ વ્યવસાયમાં ખાસ કરીને ખાંડ, ક્રોપ કેર કેમિકલ્સ અને હાઇબ્રીડ શિડ્સ ક્ષેત્રે તેમના પ્લાન્ટ સ્થાપવા માગે છે.

Gujarat