Get The App

મેડિસિન ફેકલ્ટીના વિદ્યાર્થીને ૧૦ ગોલ્ડ મેડલઃ કુલ ૨૭૭ મેડલ એનાયત

Updated: Feb 5th, 2022

GS TEAM

Google News
Google News
મેડિસિન ફેકલ્ટીના વિદ્યાર્થીને ૧૦ ગોલ્ડ મેડલઃ કુલ ૨૭૭ મેડલ એનાયત 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો ૭૦મો વાર્ષિક પદવીદાન સમારોહ ઓનલાઈન યોજાયો હતો અને તેમાં ૧૭૭ છાત્રોને ૨૭૭  છાત્રોને ગોલ્ડ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવા માટે એકાદ મહિનામાં અલગથી સમારોહ યોજવામાં આવશે.જોકે સમારોહ દરમિયાન દરેક ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીના નામનો તેને મળેલા ગોલ્ડ મેડલ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મેડિસિન ફેકલ્ટીના એમબીબીએસના વિદ્યાર્થી અત્રી જગદીશ ગોહિલે સૌથી વધારે ૧૦ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.હાલમાં તે પોંડિચેરીમાં એમડીનો અભ્યાસ કરે છે.

અત્રીના  માતા-પિતા, ભાઈ અને ભાભી એમ પરિવારના તમામ સભ્યો ડોકટરો છે અને ઘરમાં પહેલેથી જ મેડિકલ તરફ ઝુકાવના માહોલના કારણે તેણે પણ આ ક્ષેત્રમાં જ કેરિયર બનાવવાનુ નક્કી કર્યુ હતુ.અત્રીનુ કહેવુ છે કે, અભ્યાસ પ્રત્યેની ગંભીરતા અને સખત મહેનત સફળતા મેળવવા માટે જરુરી છે.સાથે-સાથે રોજે રોજની તૈયારી પણ મહત્વની છે.

ઝૂલોજી વિષય સાથે બીએસસી કર્યા બાદ

સંસ્કૃત વિષયમાં સાત ગોલ્ડ મેડલ સાથે એમએની ડિગ્રી મેળવી 

પદવીદાન સમારોહમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવવામાં આર્ટસ ફેકલ્ટીની એમએ(સંસ્કૃત)ની વિદ્યાર્થિની હિમા મિલિંદ પારેખ સાત ગોલ્ડ મેડલ સાથે બીજા ક્રમે રહી છે.હીમાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, મેં બેચલર ડિગ્રી માટે સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કર્યો હતો અને ઝૂલોજી સાથે બીએસસીની ડિગ્રી મેળવી હતી.જોકે ધો.૧૨માં મેં સંસ્કૃત વિષય રાખ્યો હતો.બીએસસીના અભ્યાસ દરમિયાન મને લાગ્યુ હતુ કે, હું સંસ્કૃત વિષયમાં વધારે સારી રીતે અભ્યાસ કરી શકુ તેમ છું.એટલે મેં બેચરલ ડિગ્રી બાદ સંસ્કૃત  વિષયમાં માસ્ટરનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો.જોકે મને આશા નહોતી કે, તમામ સાતે સાત ગોલ્ડ મેડલ મારા ફાળે આવશે.હું હવે પીએચડી કરવા માંગુ છું.મારા અધ્યાપકો તરફથી પણ મને પીએચડી કરવા માટે  પ્રોત્સાહન મળી રહ્યુ છે.લોકડાઉન દરમિયાન ઓનલાઈન શિક્ષણમાં શરુઆતમાં તકલીફ પડી હતી પણ પાછળથી તેમાં ફાવટ આવી ગઈ હતી.

૨૩ વર્ષ બાદ ફરી અભ્યાસ કરનારા બે સંતાનોના પિતાને ગોલ્ડ મેડલ

લો ફેકલ્ટીમાં એલએલબીમાં અભ્યાસ કરતા અંકિત શાહે ગ્રેજ્યુએશન પુરુ કર્યાના ૨૩ વર્ષ બાદ અભ્યાસ શરુ કર્યો હતો અને તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.તેઓ બે બાળકોના પિતા છે .અંકિત શાહના મોટાભાઈ અમિત શાહે પણ આ જ કોર્સમાં બે વર્ષ પહેલા  આ જ રીતે લાંબા સમય બાદ અભ્યાસ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.અંકિત ભાઈનુ કહેવુ છે કે, ફેકલ્ટીના અધ્યાપકો અને અન્ય વકીલોના માર્ગદર્શનથી સફળતા મેળવી છે.સાથે સાથે પત્ની અને સંતાનોની પ્રેરણા પણ મહત્વનો ભાગ ભજવી ગઈ છે.

મારી સફળતાનો શ્રેય પરિવારને જાય છે

મેં મારી બેચલર ડિગ્રી સાયકોલોજી વિષયમાં મેળવી હતી અને એ પછી એમએસડબલ્યુનો અભ્યાસ કરવાનુ નક્કી કર્યુ હતુ.સોશિયલ વર્કના અભ્યાસમાં ફિલ્ડ વર્કનુ મહત્વ ઘણુ રહેતુ હોય છે.જોકે કોરોનાના કારણે તે પ્રભાવિત થયુ હતુ.કોરોનાનુ જોખમ હોવા છતા મેં હોસ્પિટલમાં ઓફલાઈન ઈન્ટર્નશિપ પસંદ કરી હતી.કારણકે પ્રેક્ટિકલ અનુભવ બહુ મહત્વનો હોય છે.મારા પરિવારે મને અભ્યાસ માટે તમામ પ્રકારનો સપોર્ટ કર્યો છે અને મારી સફળતાનો શ્રેય હું મારા પરિવારને આપુ છું.

સોહા શેખ,એમએસડબલ્યુ, ચાર ગોલ્ડ મેડલ


Tags :