Get The App

ઓરીનો આતંક : છેલ્લા એક મહિનામાં ૧૬૫૦ કેસ, ૯ના મૃત્યુ

-ઓરીથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત બીજા સ્થાને

-કોરોના દરમિયાન રસી મૂકવાનું બંધ કર્યું હોવાથી વાયરલ ચેપ ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થયાની સંભાવના

Updated: Dec 16th, 2022

GS TEAM

Google News
Google News

અમદાવાદ, શુક્રવાર

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી બાળકોમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને નવેમ્બરમાં ઓરીના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં નવેમ્બર માસ દરમિયાન  ૧૬૫૦ બાળકોને ઓરી થયા છે જ્યારે ૯ બાળકોના તેનાથી મૃત્યુ થયા છે. નવેમ્બરમાં ઓરીથી સૌથી વધુ બાળકોના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે.

લોકસભાના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા સ્વિકારવામાં આવ્યું છે કે નવેમ્બરમાં બાળકોમાં ઓરીના કેસમાં વધારો થયો છે. સમગ્ર દેશમાંથી નવેમ્બરમાં ૧૦૪૧૬ બાળકોને ઓરી થયા હતા અને ૪૦ બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૩૦૭૫ કેસ-૧૩ મૃત્યુ થયા છે. ઓરીના સૌથી વધુ કેસમાં ઝારખંડ બીજા અને ગુજરાત ત્રીજા સ્થાને છે. અમદાવાદના દવાખાનાઓ ઓરીના દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. બાળકો સૌથી વધી આ રોગની ઝપેટમાં આવી રહ્યાં છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન પણ ઘઢી કાઢવામાં આવ્યો છે. જે અંતર્ગત ઓરીના કેસો વધતા અમદાવાદમાં છેલ્લાં ૨૦ દિવસમાં ૭૦ હજાર બાળકોને રસી આપવામાં આવી હતી.

અમદાવાદમાં ઓરીના કેસમાં વધારો થતા મ્યુનિસિપલ હેલ્થ વિભાગ તરફથી સઘન સર્વેલન્સ અને વેકિસનેશનની કામગીરી શરૃ કરાઇ છે.આ વર્ષે અત્યાર સુધીમા ઓરીના ૪૩૭ કેસ નોંધાયા છે.૬૦ હજાર બાળકોને ઓરી સામે રક્ષિત કરવા વેકિસનનો બુસ્ટર ડોઝ આપવામા આવ્યો છે.આમ છતાં શહેરના વિવિધ વિસ્તારમાંથી દરરોજ દસ શંકાસ્પદ કેસ મળી રહ્યા છે.

નવ મહિનાથી પાંચ વર્ષ સુધીની વયના બાળકોમા ઓરીના રોગના લક્ષણ જોવા મળી રહયા છે.સતત વધી રહેલા કેસને પગલે થોડા સમય પહેલા કેન્દ્રના આરોગ્ય વિભાગની ટીમ પણ મુલાકાતે આવી હતી.કેન્દ્રના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામા આવેલા સુચન મુજબ શહેરમા કરવામા આવેલા સર્વે દરમિયાન વીસ જેટલા પોકેટમા  ઓરીના કેસનુ પ્રમાણ વધુ જોવા મળતા હોટ સ્પોટ જાહેર કરવામા આવ્યા હતા.

જાણકારોના મતે , કોરોનાને કારણે અન્ય રસીકરણ ઝુંબેશ બંધ થઇ ગઇ હતી. જેમાં ઓરીની રસીનો પણ સમાવેશ થાય છે.  જેના કારણે ઓરીના કેસમાં વધારો થયો હોવાનું મનાય છે.

 

 

કયા રાજ્યમાં ઓરીના વધુ કેસ-મૃત્યુ?

રાજ્ય           કેસ     મૃત્યુ

મહારાષ્ટ્ર       ૩૦૭૫   ૧૩

ઝારખંડ       ૨૬૮૩    ૦૮

ગુજરાત      ૧૬૫૦     ૦૯

હરિયાણા     ૧૫૩૭     ૦૩

બિહાર       ૧૨૭૬     ૦૭

ઓરીના લક્ષણો

સખત તાવ, ત્વચા પર લાલ ફોલ્લીઓ, વધારે ઉધરસ, સ્નાયુમાં દુઃખાવો, સૂકું ગળું, આંખે ઝાંખું દેખાવવું.

 

ઓરી એક વાયરલ ચેપ

તબીબોના મતે ઓરી એક વાયરલ ચેપ છે. આ રોગ વાયરસથી થાય છે અને ચેપગ્રસ્ત બાળકથી અન્ય બાળકોમાં ઝડપથી ફેલાય છે. તેનાથી ચેપ લાગ્યા બાદ ૭ થી ૧૪ દિવસમાં લક્ષણો દેખાવા લાગે છે. નાના બાળકો જ નહીં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી પુખ્ત વયની વ્યક્તિને પણ ઓરી થાય છે. ટીબી કે એલર્જીની સમસ્યા ધરાવતા દર્દીએ ખાસ તકેદારી રાખવી જોઇએ. તાવ આવતો હોય કે ઓરીના લક્ષણ જણાય તેવા બાળકોને સ્કૂલ કે અન્ય બાળક સાથે રમવા મોકલવા જોઇએ નહીં.