ચેક બાઉન્સમાં સજા સામે અપીલમાં ગયેલા જમીન માલિકની વડોદરાની કંપનીના એમ.ડી.ને ધમકી
વડોદરા,તા.4 ફેબ્રુઆરી,2020,મંગળવાર
ચેક બાઉન્સ થવાના કેસમાં થયેલી સજાના હુકમ સામે અપીલમાં ગયેલા સુરેન્દ્રનગરના જમીન માલિકે વડોદરાની કંપનીના એમ.ડી.ને ધમકી આપતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાસણા-ભાયલી રોડ પર નિલામ્બર ફાર્મમાં રહેતા પિરામિડ સ્પેસિસ કંપનીના એમ.ડી.કીર્તિ પ્રેમરાજ જૈને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે,વર્ષ-૨૦૧૧માં કંપની માટે સુરેન્દ્રનગર નજીક જમીન લેવાની હોવાથી સરતન ભોયાભાઇ ભરવાડનો સંપર્ક કર્યો હતો.તેણે જોઇતી જમીન અપાવવાની ખાતરી આપતાં રૃા.૧૦.૭૪ કરોડ ચૂકવ્યા હતા.
પરંતુ ત્યારબાદ સોદા મુજબની જમીન નહીં મળતાં સોદો રદ થયો હતો.સરતનભાઇએ રૃા.૧ કરોડના કુલ ત્રણ ચેક આપ્યા હતા.જે રિટર્ન થતાં કીર્તિ જૈને ફરિયાદ કરી હતી.કોર્ટે આ કેસમાં બે વર્ષની સજા કરતાં સરતનભાઇએ અપીલ કરી હતી.ગઇ તા.૯-૧૨-૨૦૧૯ના રોજ સરતનભાઇએ તારા જાનનું જોખમ છે તેમ કહી ધમકી આપી હતી.જે અંગે જેપી રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.