પતિના ત્રાસથી કંટાળી પત્નીએ 181ની મદદ માંગી : પતિનું કાઉન્સિલિંગ કરતા મામલો શાંત પડ્યો
વડોદરા,તા.14 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
મધરાતે પીડિત મહિલાએ 181ની મદદ માગતા જણાવ્યું હતું કે, અડધી રાત્રે પતિ રસોઈ બનાવડાવે છે અને જલ્દી શાક ના બનતા પત્ની સાથે મારપીટ કરે છે. ત્યાર બાદ તાત્કાલિક 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાનું અસરકારક કાઉન્સિલિંગ કરતાં જાણવા મળે છે કે, પીડિત મહિલા સવારના દીકરાની સ્કૂલ અને ટ્યુશનનો ટાઇમ સાચવતા ત્રણ ઘરનું ઘરકામ કરે છે. પતિ એક મહિનો કામ કરે છે અને એક મહિનો ઘરે બેસે છે. નોકરી બદલી નાખી છે તેથી તે સમયસર પગાર લાવતા નથી. ઘરનો મોટાભાગનો ખર્ચ કે દીકરાની ટ્યુશન ફી અને સ્કૂલ ફી પણ મહિલા જ ભરે છે. મહિલા જે ઘરે કામ કરતાં હોય તે ઘરે કથા હોવાથી જલદી કામ પર ચાલ્યા ગયા હતા અને દીકરાને સ્કૂલ મૂકવા જવાનું કામ પતિને સોપીને ગયા હોઇ પતિએ દીકરાને નવડાવ્યા વિના સ્કૂલ મૂકી આવ્યા હોવાથી શિક્ષક બાળક પર ધ્યાન આપવાનું કહ્યું હોય. તેથી મહિલા કામ પરથી આવ્યા ત્યારે પતિ મહિલાને કામ છોડી દેવાનું કહે છે. મહિલા જે પ્રસાદ લાવ્યા હોય તે બાળકને ખાવા દેતા નથી અને ઝઘડો કરે છે. અડધી રાત્રે મહિલા પાસે નોનવેજ બનાવડાવે છે અને તે કૂતરાને ખવડાવવાનું કહે છે. પછી ફરીથી પોતાના માટે ભીંડાનું શાક બનાવવાનું કહે છે. મહિલાએ શાક બનાવવા મૂક્યું હોય છતાં જલદી ના થતા મહિલા સાથે મારપીટ કરે છે.
તેથી મહિલાએ પતિને સમજાવવા 181ની મદદ માંગી. 181 દ્વારા બંને પક્ષની વિગત જાણ્યા બાદ પતિને સમજાવ્યા કે, અવાર નવાર તમારી નોકરી બદલાતા દર મહિને સેલરી આવતી નથી. તેથી ઘરનો અને બાળકનો ખર્ચ પત્ની ઉપાડે છે. જે જવાબદારી તમારી છે. પત્ની જે ઘરે કામ કરે છે ત્યાં એક દિવસ વહેલા જવું પડ્યું હોય અને તમે ઘરે હોવ તો બાળકનું ધ્યાન રાખી શકાય. રોજ પત્ની ઘરકામ કરવાની સાથે દિકરાને ટ્યુશન અને સ્કૂલ મૂકવા અને લેવા જાય છે. જ્યારે તમે ઘરે હોવ ત્યારે બાળકને લેવા મૂકવા જવાનું કામ કરી પત્નીને મદદરૂપ થવું. તમારે જે જમવું હોય તે જલ્દી પણ કહી શકાય પણ અડધી રાત્રે હેરાન ના કરવું. તમારા કહ્યા પ્રમાણે રસોઈ બનાવવા છતાં મારપીટ કરવું એ યોગ્ય નથી. મારપીટ કરવું એ કાયદાકીય રીતે ગુનો બને છે. પતિને પોતાની ભૂલ સમજાતાં માફી માંગે છે અને ફરી આવી ભૂલ નહિ કરે તેમ જણાવે છે.